અમેરિકી ગુપ્તચર એજન્સીએ જણાવ્યું કે,પન્નુની હત્યાનો કારસો `રો’એ રચ્યો !

Reena Brahmbhatt
1 Min Read

વોશિંગ્ટન, તા. 18 : ભારત અને અમેરિકાના સંબંધોમાં તાણ વધારી શકે તેવા ઘટનાક્રમમાં અમેરિકી ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનો કારસો ઘડવાના આરોપમાં ભારતીય ગુપ્તચર એજન્સી `રો’ના પૂર્વ અધિકારી વિકાસ યાદવને વોન્ટેડ ઘોષિત કરી દીધા છે.

વિકાસ વિરૂદ્ધ આરોપ ઘડતાં અમેરિકાએ દાવો કર્યો હતો કે, ભારતની ગુપ્તચર એજન્સી `રો’ના જ અધિકારીઓએ પન્નુની હત્યાનો કારસો રચ્યો હતો. ભારત સરકારે આ હત્યાનાં કાવતરાંમાં કોઈ પણ ભારતીય વ્યક્તિ, અધિકારી કે એજન્સીની સંડોવણી હોવાનો આરોપ નકારી દીધો હતો. ભારત સરકારે એક ઉચ્ચસ્તરિય તપાસ સમિતિ અમેરિકા મોકલી હતી, જેથી અમેરિકી ન્યાય વિભાગે આપેલા પૂરાવાઓની સમીક્ષા કરી શકાય. અમેરિકી અધિકારીઓએ પણ ભારત સરકારના સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. વિકાસ યાદવની ત્રણ તસવીરોવાળાં `વોન્ટેડ’નાં પોસ્ટર જારી કરતાં એફબીઆઈ દ્વારા આરોપ મુકાયો છે કે, વિકાસે નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા માટે `શૂટર’ની વ્યવસ્થાનો નિર્દેશ આપ્યો હતો.

- Advertisement -

નિખિલની ગત વર્ષે ધરપકડ કરાઈ હતી. યાદવે ભારત અને બીજા દેશોમાં પોતાના સાથીઓની મદદથી હત્યાને અંજામ આપવાની કોશિશ કરી હતી તેવો આરોપ મુકાયો છે. એફબીઆઈના નિર્દેશક ક્રિસ્ટોફર રેએ એવી ચેતવણી આપી નાખી છે કે, અમેરિકા આવી રીતે પોતાના નાગરિક પર હુમલા સહન નહીં કરી લે. ક્રિસ્ટોફરે કહ્યું હતું કે, ગુરપતવંતસિંહ પન્નુ પર હુમલો તેના બંધારણીય અધિકારોની વિરુદ્ધ થયેલું કૃત્ય છે.

- Advertisement -
Share This Article