નવી દિલ્હી, તા. 8 : છેલ્લાં કેટલાંક વર્ષોથી શિયાળો મોડો શરૂ થતો રહ્યો છે, પરંતુ આ વખતે સર્જાયેલી પરિસ્થિતિઓ જોતાં ઠંડીની મોસમ વહેલી શરૂ થશે અને લાંબી ચાલશે, તેવી આગાહી વૈજ્ઞાનિકોએ કરી છે.`લા નીનો’એ જે રીતે પોતાની હાજરીના 90 દિવસ બાદ સક્રિયતા બતાવવી શરૂ?કરી છે, તે જોતાં આ વખતે શિયાળો બરાબર જેવો જામશે, તેવો વર્તારો મોસમ વૈજ્ઞાનિકોએ આપ્યો છે. મોસમ વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકો કહે છે કે, ચોમાસાંની સક્રિયતા હજુ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલવાની છે.

દિલ્હી યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાન વિભાગના પ્રવકતા ડો. એ.કે. સિંહે કહ્યું હતું કે, ચોમાસાં પર અસર કરતાં લા નીનાના જ પ્રભાવથી શિયાળો વહેલો શરૂ થશે અને તેનો ગાળો પણ લાંબો ચાલશે. મોસમ વિજ્ઞાન વિભાગના પ્રવકતા ડો. રાજેન્દ્ર કહે છે કે, દેશમાં ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી સક્રિય રહેશે. લા નીનોની સક્રિયતામાં 60થી 90 દિવસનો સમય લાગે છે. આ સમય જુલાઇના અંતથી ઓગસ્ટની શરૂઆતમાં પૂરો થઇ ચૂકયો છે. હવે લા નીનો વરસાદની જેમ જ શિયાળાની મોસમ પર અસર બતાવશે.

