UGC Equity Regulations 2026: યુજીસી ઈક્વિટી રેગ્યુલેશન્સ પર સુપ્રીમ કોર્ટની કડક કાર્યવાહી: કેન્દ્ર અને યુજીસીને નોટિસ ફટકારી

Arati Parmar
2 Min Read

UGC Equity Regulations 2026: યુજીસી (University Grants Commission) ના નવા ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ ને પડકારતી બે નવી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ પાઠવી છે. સર્વોચ્ચ અદાલતે એવો નિર્દેશ પણ આપ્યો છે કે આ બંને અરજીઓને પહેલાથી પેન્ડિંગ કેસો સાથે જોડી દેવામાં આવે અને તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરવામાં આવે. નવા નિયમોને લઈને દેશભરમાં વિરોધ અને કાનૂની ચર્ચાઓ તેજ બની છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.

અરજીકર્તાઓએ પોતાની અરજીઓમાં આક્ષેપ કર્યો છે કે યુજીસીના નવા નિયમો સામાન્ય વર્ગ (General Category) ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે છે અને સમાનતા સાથે જોડાયેલા તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે નવા નિયમો ‘જાતિ-આધારિત ભેદભાવ’ (Cast-based Discrimination) ની વ્યાખ્યા માત્ર SC, ST અને OBC વર્ગો સુધી સીમિત રાખે છે, જ્યારે અરજીકર્તાઓનો તર્ક છે કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પણ ભેદભાવનો સામનો કરી શકે છે અને તેમને પણ રક્ષણ મળવું જોઈએ.

- Advertisement -

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યુજીસીના નવા નિયમોના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી. અદાલતે કહ્યું હતું કે આ નિયમોની ભાષા અસ્પષ્ટ છે અને આવી જોગવાઈઓ સમાજમાં વિભાજનની આશંકા પેદા કરી શકે છે. તાત્કાલિક રાહત આપતા કોર્ટે જૂના નિયમો જ અમલમાં રાખવા નિર્દેશ આપ્યા હતા. સાથે જ કેન્દ્ર અને યુજીસીને નોટિસ પાઠવીને નવા નિયમો પર પુનઃવિચાર કરવા માટે નિષ્ણાત સમિતિ રચવાનું સૂચન પણ કર્યું હતું.

આ નિયમો વિરુદ્ધ દેશભરની અનેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દેખાવો કરી ચૂક્યા છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે નવી વ્યવસ્થા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે ફરિયાદ નિવારણ તંત્ર (Grievance Redressal Mechanism) ને નબળું પાડે છે અને આ એક “અસંતુલિત” માળખું તૈયાર કરે છે. બીજી તરફ યુજીસી અને સરકારનું કહેવું છે કે નિયમોનો હેતુ ભેદભાવ મિટાવવાનો અને કેમ્પસને વધુ સર્વસમાવેશક બનાવવાનો છે.

- Advertisement -
Share This Article