Vande Bharat Stone Pelting Hardoi: વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં સવાર હતા RSS પ્રમુખ મોહન ભાગવત, એક કોચનો કાચ ફૂટ્યો

Arati Parmar
2 Min Read

Vande Bharat Stone Pelting Hardoi: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ગુરુવારે બપોરે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ સમાચાર ફેલાતા જ ફફડાટ વ્યાપી ગયો હતો, કારણ કે આ જ ટ્રેનમાં RSS પ્રમુખ મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા. પથ્થર વાગવાને કારણે ટ્રેનના એક કોચનો કાચ પણ ફૂટી ગયો હતો. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. વંદે ભારતના જે કોચ પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, સંઘ પ્રમુખ તેમાં સવાર નહોતા, પરંતુ તેઓ બીજા કોઈ કોચમાં બેઠા હતા.

દિલ્હી જઈ રહેલી વંદે ભારત પર ફેંકાયો પથ્થર

જણાવવામાં આવી રહ્યું છે કે વારાણસીથી મેરઠ જઈ રહેલી ટ્રેન સંખ્યા ૨૨૪૮૯ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી તરફ આગળ વધી રહી હતી, ત્યારે ચાંદમારી અને કૌઢા સ્ટેશન વચ્ચે બપોરે આશરે ૩:૨૦ વાગ્યે અચાનક એક પથ્થર ટ્રેનના C-4 કોચ સાથે અથડાયો હતો, જેનાથી બારીનો કાચ ફૂટી ગયો હતો. ઘટના સમયે ટ્રેનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત પણ સવાર હોવાની માહિતી સામે આવી છે, જોકે તેઓ E-1 કોચમાં હોવાનું કહેવાય છે.

- Advertisement -

બાળકોના રમત-રમતમાં પથ્થરમારો! શું કહ્યું પોલીસે?

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેક પાસે ૮ થી ૧૩ વર્ષના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા અને આશંકા છે કે રમત દરમિયાન ભૂલથી પથ્થર ટ્રેન પર વાગ્યો હતો. ઘટનાની જાણ થતા જ RPF, GRP અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સીઓ સિટી અંકિત મિશ્રાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બાળકો દ્વારા રમતા સમયે પથ્થર વાગવાની વાત સામે આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન પર પથ્થર વાગવાના સમાચારથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે, જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને ટ્રેનને સુરક્ષિત રીતે આગળ રવાના કરવામાં આવી હતી. પોલીસ અને રેલવે અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

- Advertisement -
Share This Article