Violation of Traffic Rules: 2024માં ટ્રાફિક નિયમ ભંગથી દેશમાં 12,000 કરોડ રૂપિયાનો દંડ વસૂલ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Violation of Traffic Rules: દેશમાં ૨૦૨૪માં લોકોએ રૂ.૧૨,૦૦૦ કરોડની રકમ ટ્રાફિકના નિયમભંગ પેટે ભરી. આમ ટ્રાફિક નિયમના ભંગની રકમે કેટલાક નાના દેશોના જીડીપીને પણ વટાવી દીધી છે. સમગ્ર દેશમાં ગયા વર્ષે લગભગ આઠ કરોડ ચલણ જારી કરવામાં આવ્યા હતા. તેના દંડની કુલ રકમ રૂ. ૧૨,૦૦૦ કરોડ હોવાનો અર્થ એમ થાય કે રસ્તા પરના દર બીજા વાહને દંડ ભર્યો છે. તેમા પણ રૂ, ૯,૦૦૦ કરોડની રકમ બાકી છે.

અહેવાલ મુજબ દેશની કુલ ૧૪૦ કરોડની વસ્તીમાંથી ૧૧ કરોડ પાસે પોતાની કાર છે. તમે અંદાજ લગાવી શકો છો કે વસ્તીનો દસ ટકાથી પણ ઓછો હિસ્સો આટલી મોટી બાકી રકમ માટે જવાબદાર છે. આ અહેવાલ બતાવે છે કે વાહનચાલક રસ્તા પર કઈ જવાબદારીથી ડ્રાઇવિંગ કરે છે. આ અહેવાલમાં ભારતમાં વાહનચાલકો રોડ સેફ્ટી અને ટ્રાફિકના દંડ અંગે શું વિચારે છે તેના માટે હજાર લોકો પર સરવે કરવામાં આવ્યો. આ સરવેમાં સ્પષ્ટ જણાઈ આવ્યું કે મોટાભાગના લોકો નિયમોનું પાલન ત્યારે જ કરે છે જ્યારે તે જરૂરી હોય. તે રસ્તા પરની સલામતીને ધ્યાનમાં રાખીને તેનું પાલન કરતાં નથી.

- Advertisement -

આ સરવેમાં લોકોએ હેરાન કરી દે તેવા જવાબ આપ્યા છે. સરવેમાં લગભગ ૪૩.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત પોલીસની હાજરીમાં નિયમોનું પાલન કરે છે. જ્યારે ૩૧.૨ ટકા લોકોએ જણાવ્યું હતું કે તે વળતા પહેલાં ઘણી વખત પોલીસ હાજર છે કે નહીં તે ચકાસે છે. આ ઉપરાંત ૧૭.૬ ટકા લોકોએ કબૂલ્યું હતું કે તે દંડથી બચવા માટે પોતાની આસપાસની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે. આનો સીધો અર્થ એવો કરી શકાય કે કેટલાય ડ્રાઇવરો જ્યાં સુધી રસ્તા પર ટ્રાફિક પોલીસ કર્મચારી ન મળે ત્યાં સુધી માર્ગ સલામતીના નિયમોને વૈકલ્પિક માને છે.

અહેવાલમાં જણાવાયું છે કે લગભગ ૫૫ ટકા ફોરવ્હીલરધારકો અને ૪૫ ટકા ટુ-વ્હીલરધારકોએ નિયમનો ભંગ કર્યો છે. આ ઉપરાંત ૫૧.૩ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ રસ્તા પર પોલીસને જોતાં વેંત જ સ્પીડ પર નજર નાખે છે. ૩૪.૬ ટકા લોકો તરત જ વાહનની ઝડપ ઘટાડે છે, પછી ભલેને તેમણે નિયમનો ભંગ કર્યો ન હોય. ૧૨.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તે પોતાની ડ્રાઇવિંગની શૈલી બદલે છે જેથી તે પકડાઈ ન જાય. આ બતાવે છે કે વાહનચાલકો દ્વારા નિયમોનું પાલન કરવું તે આદત નહીં પણ ડર છે.

આ ઉપરાંત ૪૭ ટકા લોકોનો દાવો છે કે તે સીસીટીવી કેમેરા હોવા છતાં એક જ પ્રકારે ગાડી ચલાવે છે. ૩૬.૮ ટકા લોકોએ માન્યું હતું કે તેઓ ત્યારે જ ધીમી ગતિએ ચાલે છે જ્યારે તેમને કેમેરા દેખાઈ દે છે. ૧૫.૩ ટકા લોકોએ જણાવ્યું હતું કે તે ફક્ત કેમેરાના લીધે સ્પીડ ઘટાડી દે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ટ્રાફિક મેનેજમેન્ટને ફક્ત ટેકનોલોજીના ભરોસે ન છોડી શકાય. તેમા સૌથી વધુ કેસ ઓવરસ્પીડિંગના ૪૯ ટકા કેસ નોંધાયા છે.  ગુરુગ્રામમાં અધિકારીઓએ પ્રતિ દિન ૪,૫૦૦થી વધુ ચલણ જારી કર્યા. એટલે કે રોજના દસ લાખ રુપિયાથી વધારે દંડ વસૂલવામાં આવ્યો.

Share This Article