Womens Reservation Bill India: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને પુનઃ સીમાંકન (ડિલિમિટેશન) બિલ પર લોકસભાને સંબોધિત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓને અનામત આપવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ તેમનો હક છે જે દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાને આ પગલાને ભૂતકાળની ભૂલોનું ‘પ્રાયશ્ચિત’ ગણાવ્યું હતું. સીમાંકન અંગે તેમણે ખાતરી આપી હતી કે આ પ્રક્રિયામાં કોઈ પણ રાજ્ય કે સમુદાય સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને અગાઉના જે ધોરણો ચાલતા આવ્યા છે તે મુજબ જ ન્યાયી રીતે બેઠકોની વહેંચણી કરવામાં આવશે.
બેઠકોની સંખ્યામાં વધારો અને મહિલાઓ માટે અનામત
કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ, લોકસભામાં બેઠકોની સંખ્યા હાલની ૫૪૩થી વધારીને ૮૫૦ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સીમાંકન બાદ કુલ ૮૧૫ બેઠકોમાંથી ૨૭૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ પ્રક્રિયા ૨૦૨૩માં પસાર થયેલા ‘નારીશક્તિ વંદન અધિનિયમ’ પર આધારિત છે, જે મુજબ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. સરકારનું માનવું છે કે દેશની ૫૦ ટકા વસ્તીને નીતિ-નિર્માણમાં સમાન ભાગીદારી મળવી જોઈએ.
વિપક્ષના આક્ષેપો અને દક્ષિણ ભારતના રાજ્યોની ચિંતા
બીજી તરફ, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આ બિલને ભાજપનો ‘ખતરનાક ખેલ’ ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સીમાંકન મારફતે સત્તા પર પોતાનો કબજો મજબૂત કરવા માંગે છે અને ખાસ કરીને જે રાજ્યોમાં ભાજપ મજબૂત છે ત્યાં બેઠકો વધારીને અન્ય રાજ્યો સાથે અન્યાય કરી શકે છે. તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોના મુખ્ય મંત્રીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમની મુખ્ય ચિંતા એ છે કે જેમણે વસ્તી નિયંત્રણમાં સારું પ્રદર્શન કર્યું છે, તે રાજ્યોની બેઠકો ઘટી જશે અને ઉત્તર ભારતના રાજ્યોનું સંસદમાં પ્રતિનિધિત્વ વધી જશે.
લોકશાહીની સુંદરતા અને ૨૦૨૯ની ચૂંટણીનું લક્ષ્ય
સરકારે વિપક્ષના તમામ આરોપોને ફગાવતા કહ્યું છે કે આ બિલનો હેતુ માત્ર મહિલા સશક્તિકરણ અને સમાન પ્રતિનિધિત્વ છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે મહિલાઓ ૩૦ વર્ષથી આ અધિકારની રાહ જોઈ રહી છે અને ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીથી આ અનામત લાગુ કરવાનો લક્ષ્યાંક છે. વડા પ્રધાને વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે જે લોકો આજે આ બિલનો વિરોધ કરશે તેમને ભવિષ્યમાં તેની કિંમત ચૂકવવી પડશે. આ વિધેયક પર ૧૬ થી ૧૮ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન સંસદમાં વિસ્તૃત ચર્ચા થનાર છે, જે ભારતીય રાજનીતિની દિશા નક્કી કરશે.

