Magh Mela 2026: કુંભ મેળાની જેમ જ હિન્દુ ધર્મમાં માઘ મેળાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે માઘ મેળો ૩ જાન્યુઆરીથી શરૂ થઈને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. કુંભ મેળો દર ૧૨ વર્ષે ચાર પવિત્ર સ્થાનો (પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક) પર વારાફરતી ભરાય છે.
જ્યારે માઘ મેળો પ્રયાગરાજમાં દર વર્ષે માઘ મહિનામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી) ભરાતો એક વાર્ષિક અને નાનો મેળો છે. ૪૫ દિવસ સુધી ચાલતા માઘ મેળામાં કલ્પવાસીઓ નદી કિનારે રહીને તપસ્યા કરે છે. ચાલો જાણીએ માઘ મેળો દર વર્ષે કેમ ભરાય છે, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ.
માઘ મેળો દર વર્ષે કેમ ભરાય છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દર વર્ષે આયોજિત થતો આ વિશાળ મેળો વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા આધ્યાત્મિક આયોજનોમાંનો એક માનવામાં આવે છે. હકીકતમાં પ્રયાગરાજ એ તીર્થ છે જ્યાં ત્રણ પવિત્ર નદી ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે. માઘ મહિનામાં સંગમમાં સ્નાન કરનારાઓને અમૃતના ગુણો પ્રાપ્ત થાય છે. વર્ષભરમાં આ ૪૫ દિવસ પાપ કર્મમાંથી મુક્તિ મેળવવાની તક છે. આ જ કારણ છે કે દર વર્ષે માઘ મેળાનું આયોજન થાય છે.
માઘ મેળાનું મહત્વ
‘માઘે નિમગ્નઃ સલિલે સુશીતે વિમુક્તપાપાસ્ત્રિદિવં પ્રયાન્તિ।’ પદ્મપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય માસમાં જપ, તપ અને દાનથી ભગવાન વિષ્ણુ એટલા પ્રસન્ન નથી થતા જેટલા માઘ માસમાં નદી અને તીર્થસ્થળો પર સ્નાન કરવાથી થાય છે. આ જ કારણ છે કે પુરાણોમાં ભગવાન નારાયણને પામવાનો સરળ માર્ગ માઘ માસના પુણ્ય સ્નાનને બતાવવામાં આવ્યો છે.
એવું માનવામાં આવે છે કે માઘ મેળાના સમયે સંગમના તટ પર દેવતાઓનો વાસ હોય છે, તેથી આ સમયે વિશેષ તિથિઓ પર અહીં સ્નાન કરવાથી દેવતાઓની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. આ સમયગાળામાં જે કલ્પવાસ કરીને જપ-તપ કરે છે તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. માઘ માસમાં સવારનું સ્નાન આયુષ્ય, આરોગ્ય, રૂપ, બળ અને સૌભાગ્ય પ્રદાન કરે છે.
માઘ મેળાનો ઇતિહાસ
માઘ મેળો કુંભ મેળાનું નાનું સ્વરૂપ છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત કળશને લઈને દેવતાઓ અને અસુરો વચ્ચે ખેંચતાણ થઈ રહી હતી ત્યારે અમૃતના કેટલાક ટીપાં ઉજ્જૈન, પ્રયાગરાજ, હરિદ્વાર અને અલ્હાબાદની પવિત્ર નદીમાં પડ્યા હતા. આ જ કારણ છે કે માઘ મેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમામ પાપ કર્મો દૂર થાય છે અને વ્યક્તિ અમૃત તુલ્ય પુણ્ય મેળવે છે.
માઘ મેળો ૨૦૨૬ મુખ્ય સ્નાન
૩ જાન્યુઆરી – પોષી પૂર્ણિમા
૧૪ જાન્યુઆરી – મકર સંક્રાંતિ
૧૮ જાન્યુઆરી – મૌની અમાસ
૨૩ જાન્યુઆરી – વસંત પંચમી
૧ ફેબ્રુઆરી – માઘી પૂર્ણિમા
૧૫ ફેબ્રુઆરી – મહાશિવરાત્રી

