Badrinath Dham: બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યાં, ભવ્ય શણગાર સાથે ભક્તોમાં ઉત્સાહ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Badrinath Dham: આજે સવારે 6 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા. પહેલીવાર મંદિરના નવા રાવલ (પૂજારી) અમરનાથ નંબુદરીએ ગણેશ પૂજા કરી.  ત્યારબાદ દ્વાર પૂજા કર્યા બાદ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા. આ દરમિયાન પુજારી સુરેશ સુયાલે કહ્યું કે કપાટ ખોલ્યા પછી ગર્ભગૃહની સફાઈ કરાશે અને ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવાશે. ત્યારબાદ નવા કપડાં અને આભૂષણોથી શણગારાશે.  આ ધાર્મિક વિધિઓ ભગવાનને તેમના શીતકાલીન વિશ્રામ બાદ જગાડવા માટે કરવામાં આવે છે.

આ વખતે કેટલાક પ્રતિબંધ લાગુ 

- Advertisement -

ઉલ્લેખનીય છે કે આ વર્ષે બદ્રીનાથ ધામ મંદિરના પરિસરમાં ફોટા અને વીડિયો બનાવવા સામે પ્રતિબંધ છે. જો નિયમ ભંગ કરાશે તો 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ભક્તો આગામી 6 મહિના સુધી ભગવાન બદ્રીવિશાળના દર્શન કરી શકશે. ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાનો ઈંતજાર હતો. 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ ચૂકી છે. માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં આવેલા બદ્રીનાથ લગભગ 3100 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં જવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે.

- Advertisement -

બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથના કપાટ પણ આજે ખુલી ગયા. બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીં ગયા વિના ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને 40 ક્વિંટન ફૂલોથી સજાવવામાં આવ્યું

- Advertisement -

ધામના કપાટ ખોલતા પહેલા બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને 40 ક્વિંટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રવિવારે કપાટ ખુલતા પહેલા જ શનિવાર સાંજથી દર્શન પથ પર તીર્થ યાત્રીઓની લાઈનો લાગી ગઈ હતી.

રાવલ કરે છે પૂજા

બદ્રીનાથની પૂજા કરતા મુખ્ય પૂજારીને રાવલ કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અને બદ્રીનાથજીની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર માત્રને માત્ર રાવલને જ છે. કપાટ ખોલતા પહેલા નરસિંહ મંદિર (જોશીમઠ) થી ભગવાન વિષ્ણુની ચલ મૂર્તિ અને પૂજા સામગ્રી લઈને યાત્રા કાઢવામાં આવે છે. બાબા બદ્રીનાથ ધામના દરવાજા ખોલ્યા પછી આગામી 6 મહિના સુધી તેમના શણગાર અને પૂજામાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

નર-નારાયણે કરી હતી તપસ્યા 

બદ્રીનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાનના નરનારાયણ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે અહીં ભગવાને નરનારાયણના રૂપમાં તપસ્યા કરી હતી. તેથી મંદિરના ગર્ભગૃહમાં શ્રી હરિ વિષ્ણુ સાથે ધ્યાનાવસ્થામાં નર નારાયણની મૂર્તિ સ્થિત છે.

Share This Article