Army land in Punjab: પંજાબના ફિરોઝપુરમાં ભારતીય એરફોર્સની હવાઇ પટ્ટીને બારોબાર વેચી દેવાનો મામલો પંજાબ-હરિયાણા હાઇકોર્ટ પહોંચ્યો છે. હાઇકોર્ટે આ મામલે આકરુ વલણ અપનાવ્યું હતું અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ હવાઇ પટ્ટી ફાૂવાલા ગામમાં આવેલી છે. જેનો ઉપયોગ ભારતીય એરફોર્સ દ્વારા 1962, 1965 અને 1971ના યુદ્ધમાં કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે અધિકારીઓને ઝાટક્યા
ફિરોઝપુરના ડેપ્યુટી કમિશનર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા હાઇકોર્ટે ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, ‘બ્યૂરોક્રેસી પાસેથી એટલી તો અપેક્ષા રાખી જ શકાય કે તેઓ જવાનો માટે કોઈ અડચણ ઊભી ન કરે.’ હાઇકોર્ટના ન્યાયાધીશ હરપ્રીતસિંહે કહ્યું હતું કે, ‘દુઃખદ બાબત એ છે કે સેનાએ આ સમગ્ર મામલે તપાસ કરાવવા માટે પંજાબ સરકાર પાસે જવુ પડ્યું હતું. આ મામલે ડેપ્યુટી કમિશનર દ્વારા જે વલણ અપનાવાયું છે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ સમાન છે.’
હાઇકોર્ટે પંજાબ વિજિલંસ બ્યૂરોના ડાયરેક્ટરને વ્યક્તિગત આ મામલાની તપાસ કરવા આદેશ આપ્યો હતો અને ચાર સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજુ કરવા કહ્યું હતું. હાઇકોર્ટમાં નિશાનસિંહ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે મામલાની સીબીઆઇ અથવા સ્વતંત્ર રીતે તપાસની માગણી કરી હતી. હાઇકોર્ટને જાણ કરાઇ હતી કે આ જમીનને 1937-38 દરમિયાન સંપાદિત કરાઈ હતી. આ જમીનનો ઉપયોગ ભારતીય એરફોર્સ દ્વારા એરટ્રિપ તેમજ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરાતો હતો. જોકે વર્ષ 1997માં આ જમીનને ગેરકાયદે રેવન્યૂ રેકોર્ડ સાથે ચેડા કરીને બારોબાર વેચી મારવામાં આવી હતી.
જમીનના મૂળ માલિક મદન મોહન લાલ હતા જેઓ 1991માં મૃત્યુ પામ્યા, જો કે 1997ની સેલ ડીડ મુજબ હાલ સુરજિત, મનજિત, જાગિર વગેરે સહિત પાંચ એવા લોકોને માલિક બનાવી દેવાયા જેનો કોઇ અધિકાર નહોતો. સેનાએ ક્યારેય પણ આ જમીન તેમના નામે ટ્રાન્સફર નહોતી કરી. ફિરોઝપુર કેન્ટોન્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ કમાન્ડન્ટે ફિરોઝપુર કમિશનરને વિગતો સાથે પત્ર લખી તપાસ કરવા કહ્યું હતું. બાદમાં વર્ષ 2023માં હાઇકોર્ટે ફિરોઝપુર ડીસીને તપાસ કરવા કહ્યું હતું. જો કે કોઇ તપાસ ન થતા સેનાએ સરકાર પાસે તપાસ માટે જવુ પડ્યું હતું. હવે હાઇકોર્ટે ફરી તપાસ કરવા આદેશ આપ્યો છે.