National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ અને સોનિયા ગાંધીને કોર્ટે પાઠવી નોટિસ, મુશ્કેલીઓમાં વધારો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

National Herald Case: દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. અગાઉ દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે 25 એપ્રિલે આ મામલે થયેલી સુનાવણીમાં બંને નેતાને નોટિસ ફટકારવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ આજે સુનાવણી દરમિયાન નોટિસ જાહેર કરી છે. આગામી સુનાવણી આઠ મેના રોજ થશે.

કોર્ટે કહ્યું કે, ચાર્જશીટને ધ્યાનમાં લેતાં આરોપીઓનો પક્ષ સાંભળવાનો અધિકાર છીનવી શકાય નહીં. આ મામલાની સુનાવણી આઠ મેના રોજ થશે. ચાર્જશીટમાં પ્રસ્તાવિત આરોપીઓનો પક્ષ રજૂ કરવા માટે સુનાવણીનો અધિકાર છે. નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.

- Advertisement -

નેશનલ હેરાલ્ડ કેસમાં અગાઉ EDએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને  મની લોન્ડરિંગ કેસમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. ED એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામ પિત્રોડા, સુમન દુબે સહિત ઘણા નેતાઓના નામ પણ સામેલ છે.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

- Advertisement -

નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરૂ થયો હતો. 2010માં, યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (YIL) નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YIL એ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરૂદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.

Share This Article