Pahalgam Terror Attack: પાકિસ્તાનીઓ માટે રાહત! સરકારે ભારત છોડવાની ડેડલાઈન વધારી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાબડતોડ નિર્ણયો લેવાઈ રહ્યા છે. સરકારે ભારતમાં રહેતાં પાકિસ્તાનીઓને પોતાના દેશ પરત ફરવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજી ભારતમાં પાકિસ્તાનના નાગરિકો હાજર છે. કેન્દ્ર સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ ડેડલાઈન આગામી આદેશ સુધી લંબાવી છે.

કેન્દ્ર સરકારે 30 એપ્રિલ સુધી પાકિસ્તાનીઓને પોતાના વતન પરત ફરવા કડક આદેશ આપ્યો હતો. જો કે, હજી કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને પરત મોકલવા અટારી-વાઘા બોર્ડર ખુલ્લી રાખી છે. સરકારની પ્રથમ ડેડલાઈન દરમિયાન છેલ્લા છ દિવસમાં 55 રાજદ્વારીઓ, આશ્રિતો અને સહાયક કર્મચારીઓ સહિત 786 પાકિસ્તાની નાગરિક અટારી-વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન પરત ફર્યા છે. પંજાબમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ મારફત પાકિસ્તાનમાંથી 1465 ભારતીયો પરત વતન ફર્યા છે. જેમાં 25 રાજદ્વારીઓ અને અધિકારી સામેલ છે. ભારતીય વિઝાધારક 151 પાકિસ્તાની પણ ભારત પરત ફર્યા છે.

- Advertisement -

પહલગામ હુમલા બાદ આપ્યો હતો આદેશ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી પર્યટકો પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર ભારત છોડવા આદેશ આપ્યો હતો. જેમાં મેડિકલ વિઝા ધારકોના વિઝા 29 એપ્રિલના રદ કર્યા હતા. પહેલાં 26 એપ્રિલ સુધી તમામ પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ આપ્યો હતો. જ્યારે પ્રોફેશનલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, સંમેલન, પર્વતારોહણ, વિદ્યાર્થી, પ્રવાસી, ગ્રૂપ ટુરિઝમ, તીર્થયાત્રી વિઝા 27 એપ્રિલના રદ કર્યા હતા.

- Advertisement -

કેટલા લોકો ભારત આવ્યા

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, 29 એપ્રિલના 11 રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ 469 ભારતીયો પાકિસ્તાનથી પરત ફર્યા છે. 28 એપ્રિલના 146 ભારતીય, 27 એપ્રિલના એક રાજદ્વારી સહિત 116 ભારતીય, 26 એપ્રિલના રોજ 13 રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત 342 ભારતીય પરત આવ્યા છે. 25 એપ્રિલના 287 અને 24 એપ્રિલના રોજ 105 ભારતીય વતન આવ્યા હતાં.

- Advertisement -
Share This Article