One State-One RRB Scheme: દેશભરમાં આજથી ‘એક રાજ્ય, એક ગ્રામીણ બેંક’ યોજના લાગુ કરી દેવાઈ છે. નાણા મંત્રાલયે આજે (1 મે) કહ્યું છે કે, ‘આજથી દેશભરમાં આ યોજના લાગુ કરી દેવાઈ છે. અગાઉ 700 જિલ્લામાં કાર્યરત 43 આરઆરબી ઘટીને 28 થશે. યોજના અંતર્ગત 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની 26 પ્રાદેશિક ગ્રામીણ બેંકોને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકલ આરઆરબીમાં મર્જર કરી દેવાયું છે.
પ્રાદેશિક ગ્રામીણ બેંકો 43થી ઘટાડીને 28 કરાઈ
નાણાકીય સેવા વિભાગે (ડીએફએસ) કહ્યું કે, ‘મર્જર બાદ RRB બેંકોની સંખ્યા 43થી ઘટીને 28 થઈ ગઈ છે. આમ કરવાથી આરઆરબીના નાણાંકીય વ્યવહાર તેમજ પ્રદર્શનમાં સુધારો થશે. ડીએફએસએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘હવે કુલ 28 પ્રાદેશિક ગ્રામીણ બેંકો હશે, જેમની 700 જિલ્લામાં 22000થી વધુ શાખાઓ હશે.’ બધી સંસ્થાઓની અધિકૃત મૂડી 2,000 કરોડ રૂપિયા હશે.
આ પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું કરાયું મર્જર
- આંધ્રપ્રદેશમાં ચૈતન્ય ગોદાવરી ગ્રામીણ બેંક, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બેંક અને અન્ય RRBનું વિલીનીકરણ કરીને ‘આંધ્રપ્રદેશ ગ્રામીણ બેંક’ બનાવવામાં આવશે.
- ઉત્તર પ્રદેશમાં બરોડા યુપી બેંક, આર્યાવર્ત બેંક, પ્રથમા યુપી ગ્રામીણ બેંકનું વિલીનીકરણ કરીને ‘ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક લખનૌમાં હશે.
- પશ્ચિમ બંગાળમાં બંગીયા ગ્રામીણ વિકાસ બેંક, પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક અને ઉત્તર બંગાળ RRBને મર્જ કરીને ‘પશ્ચિમ બંગાળ ગ્રામીણ બેંક’ બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક કોલકાતામાં હશે.
- ગુજરાત, બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં બે-બે RRBને એકમાં મર્જ કરવામાં આવશે.