US-India Defense Deal: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યું છે. આ ઉશ્કેરણી વચ્ચે ભારતે અમેરિકા સાથે એક મોટી સૈન્ય ડીલ કરી છે. જેનાથી ભારતીય સુરક્ષાદળની તાકાતમાં અનેકગણો વધારો થશે.
અમેરિકાએ ભારત સાથે મેરિટાઇમ સર્વેલન્સ ટૅક્નોલૉજી અને ડિવાઇસ વેચવાની ડીલને મંજૂરી આપી છે. ઈન્ડો-પેસિફિક મેરિટાઇમ ડોમેન અવેરનેસ પ્રોગ્રામ (IPMDA) હેઠળ 13 કરોડ ડૉલરમાં આ ડીલને મંજૂરી મળી છે. જેનો ઉદ્દેશ ભારતની દરિયાઈ સરહદો પર દેખરેખ અને સુરક્ષામાં વધારો કરવાનો છે.
ભારત અમેરિકા પાસેથી સી વિઝન સોફ્ટવેર, ટેક્નિકલ આસિસ્ટન્સ, ફિલ્ડ ટીમ ટ્રેનિંગ, રિમોટ સોફ્ટવેર એન્ડ એનાલિટિક સપોર્ટ અને અન્ય ડિવાઇસ ખરીદશે. સી વિઝન સોફ્ટવેર વેબ આધારિત સોફ્ટવેર છે. જે દરિયાઈ ગતિવિધિઓ પર દેખરેખ રાખે છે. તેમાં ભારતની જરૂરિયાતો અનુસાર, અમુક વિશેષ સુધારાઓ પણ કરાશે.
ટેક્નિકલ અસિસ્ટન્સ અને ટ્રેનિંગમાં અમેરિકાની નિષ્ણાતોની એક ટીમ ભારતમાં ટ્રેનિંગ આપશે. જેથી ભારતીય નૌસેના અને અન્ય સુરક્ષા દળ આ શસ્ત્રોનો અસરકારક ઉપયોગ કરવા સક્ષમ બને. રિમોટ સપોર્ટ સોફ્ટવેર અને ડેટા એનાલિસિસ માટે રિમોટ ટેક્નિકલ આસિસ્ટન્સ ઉપલબ્ધ કરાવશે.
આ ડીલ બંને દેશો વચ્ચે રક્ષા સહયોગને પ્રોત્સાહન આપશે. અમેરિકા, ભારતનો ટોચનો ડિફેન્સ પાર્ટનર છે. જે ઈન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ છે. અમેરિકા ડિફેન્સ સિક્યોરિટી કો-ઓપરેશન એજન્સી અનુસાર, આ ડીલ ક્ષેત્રીય સૈન્ય સંતુલનને અસર કરશે નહીં. તેમજ તેના માટે અમેરિકાના સૈનિકોને ભારતમાં તૈનાત કરવાની જરૂર પડશે નહીં.