વર્લ્ડકપમાં જાયન્ટ કિલર બનીને ઊભરી આવેલી અફઘાનિસ્તાનની ટીમે ફરી એકવાર અપસેટ કરીને

newzcafe
4 Min Read

અફઘાનિસ્તાનની શ્રીલંકા સામે સાત વિકેટે જીત


અફઘાનિસ્તાનની શ્રીલંકા સામે સાત વિકેટે જીત


પૂણે, તા. 30 : વર્લ્ડકપમાં જાયન્ટ કિલર બનીને ઊભરી આવેલી અફઘાનિસ્તાનની ટીમે ફરી એકવાર અપસેટ કરીને શ્રીલંકા સામે 7 વિકેટે ઝમકદાર જીત મેળવી છે. વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને હાર આપ્યા બાદ અફઘાન ટીમ વિશ્વકપની આજની મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હાર આપીને જીતની હેટ્રિક સાથે પોઇન્ટ ટેબલ પાંચમા સ્થાને આવી ગઇ છે. તેની હવે 6 મેચમાં 3 જીતથી 6 પોઇન્ટ થયા છે અને સેમિફાઇનલની રેસમાં બની રહી છે. જ્યારે શ્રીલંકાની સેમિની રેસ લગભગ સમાપ્ત થઇ છે. વિશ્વકપ ઇતિહાસમાં શ્રીલંકા સામે અફઘાનિસ્તાનની આ પહેલી  જીત છે. શ્રીલંકાના 241 રનના જવાબમાં અફઘાનિસ્તાનને લક્ષ્યાંકનો સાહસિક ઢબે પીછો કરીને માત્ર 3 વિકેટ ગુમાવીને 4પ.2 દડામાં 242 રન કરીને 7 વિકેટે યાદગાર જીત મેળવી હતી. અઝમતુલ્લાહ ઓમરઝાઇએ 63 દડામાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાથી અણનમ 73 રન કર્યા હતા. તેના અને કપ્તાન હશ્મતુલ્લાહ શાહિદી વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 104 દડામાં 111 રન થયા હતા. શાહિદી 74 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી પ8 રને નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય રેહમત શાહે પણ અર્ધસદી કરી હતી. 34 રનમાં 4 વિકેટ લેનાર ફઝલહક ફારૂકી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 242 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાને પહેલી ઓવરમાં જ રહમતુલ્લાહ ગુરબાજ (0)ની વિકેટ ગુમાવી હતી. મદુશંકાએ તેને કલીન બોલ્ડ કર્યો હતો. આ પછી ઇબ્રાહિમ ઝારદાન અને રેહમત શાહ વચ્ચે બીજી વિકેટમાં 97 દડામાં 73 રનની મહત્ત્વની ભાગીદારી થઇ હતી. ઝારદાન પ7 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 39 રને આઉટ થયો હતો. આ પછી રેહમત શાહે કપ્તાન હશમતુલ્લાહ શાહિદીના સાથમાં ત્રીજી વિકેટમાં પ8 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને ભીંસમાં લીધું હતું. જો કે લંકાએ રેહમત શાહને 62 રને આઉટ કરીને વાપસી કરી હતી. રેહમતે 74 દડાની ઇનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી અફઘાન કપ્તાન શાહિદી અને ઓમઝાઇએ બાજી સંભાળીને રન ગતિ વધારી હતી અને અફઘાન ટીમને 7 વિકેટે જીત અપાવી હતી. અગાઉ શ્રીલંકાની ટીમ સારી શરૂઆત બાદ 241 રનના સીમિત સ્કોર પર 49.3 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકાનો કોઇ બેટર અર્ધસદી કરી શક્યો ન હતો અને કોઇ મોટી ભાગીદારી થઇ ન હતી. અફઘાનિસ્તાન તરફથી મીડીયમ પેસ બોલર ફઝલહક ફારૂકીએ 34 રનમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે શ્રીલંકા તરફથી સૌથી વધુ 46 રન ઓપનર પથૂમ નિસંકાએ કર્યા હતા. પથૂમ નિસંકા અને કપ્તાન કુસલ મેન્ડિસ વચ્ચે બીજી વિકેટમાં 77 દડામાં 62 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. કપ્તાન મેન્ડિસ પ0 દડામાં 3 ચોગ્ગાથી 39 અને નિસંકા 60 દડામાં પ ચોગ્ગાથી 46 રને આઉટ થયા હતા. સદીરા સમરવિક્રમાએ 40 દડામાં 3 ચોગ્ગાથી 36, ચરિથ અસાલંકાએ 28 દડામાં 2 ચાગ્ગાથી 22 અને એન્જલો મેથ્યૂસે ડીપ મીડલઓર્ડરમાં બેટિંગમાં આવીને 23 રન કર્યા હતા અને 8મી વિકેટમાં મહીશ તિક્ષ્ણા સાથે મળીને 4પ રનની ભાગીદારી કરી હતી. તિક્ષ્ણાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. આથી શ્રીલંકાની ટીમ 241 રન સુધી પહોંચી હતી. અફઘાનિસ્તાન તરફથી ફઝલહકની 4 ઉપરાંત મુજીબ ઉર રહેમાનને 2 વિકેટ મળી હતી. પોતાની 100મી વન-ડે મેચ રમી રહેલ રાશિદ ખાને પ0 રનમાં 1 વિકેટ લીધી હતી.

Share This Article