જાપાનને 3-1થી હરાવી ભારતીય મહિલા હૉકી ટીમની સતત ચોથી જીત, Asian Games 2026 ની સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત

Arati Parmar
3 Min Read

ભારતીય મહિલા હૉકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત, જાપાન સામે જીત સાથે પૂલ Bમાં ટોચનું સ્થાન જાળવ્યું

Asian Games 2026: ભારતીય મહિલા હૉકી ટીમે જાપાનને 3-1થી હરાવીને એશિયન ગેમ્સ 2026માં સતત ચોથી જીત નોંધાવી છે. આ સાથે ભારતીય ટીમ પૂલ Bમાં ટોચ પર યથાવત છે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી લીધું છે. ભારતે આ પહેલાં પોતાના તમામ પ્રતિસ્પર્ધીઓને મોટા અંતરથી હરાવ્યા હતા અને ગોલનો વરસાદ કર્યો હતો. ભારત માટે આ મેચમાં લાલરેમ્સિયામી, ઇશિકા અને નવનીતે ગોલ કર્યા. જ્યારે જાપાન માટે શિહો કોબાયાકાવાએ એકમાત્ર ગોલ કર્યો. સેમિફાઇનલ પહેલાં ભારતનો મુકાબલો સિંગાપોર સામે થશે. ટીમ ઇન્ડિયા આ મેચ પણ સરળતાથી જીતી શકે છે.

ભારતે આ મેચમાં શરૂઆતથી જ લીડ મેળવી લીધી હતી. પહેલા હાફમાં 2-0ની લીડ લીધા બાદ ટીમ ઇન્ડિયાએ મેચમાં પોતાની સરસાઈ મજબૂત કરી હતી. જોકે, બાદમાં જાપાને એક ગોલ કરીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે પણ બીજા હાફમાં એક ગોલ કરીને 2 ગોલની લીડ સાથે મેચ પોતાના નામે કરી. ભારતીય ટીમની લયને જોતા આ વખતે ગોલ્ડની આશા રાખવામાં આવી રહી છે.

- Advertisement -

4 મેચમાં 59 ગોલ કર્યા

ભારતીય મહિલા ટીમ આ સ્પર્ધામાં શાનદાર રમત બતાવી રહી છે. 4 મેચમાં ભારતીય ટીમ 59 ગોલ કરી ચૂકી છે. જાપાનને છોડીને ભારતે દરેક ટીમ સામે ઓછામાં ઓછા 17 ગોલ કર્યા હતા. ભારતે પોતાની પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાન સામે 19-0થી જીત નોંધાવી હતી. ત્યારબાદ ભારતીય ટીમે બીજી મેચમાં ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે થાઇલેન્ડ સામે 20-1ના અંતરથી જીત નોંધાવી હતી.

- Advertisement -

ગોલ્ડ મેડલનો દાવેદાર છે ભારત

ભારતીય ટીમ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે. ભારતને 1982થી આ ઇવેન્ટમાં ગોલ્ડની રાહ છે. ભારતની મહિલા હૉકી ટીમે છેલ્લી વખત 1982માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે હાંગઝોઉમાં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ટીમ ઇન્ડિયાને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

Share This Article