Womens Asia Cup 2026: ચમારી અટાપટ્ટુનો ઐતિહાસિક સ્પેલ, માત્ર 5 રન આપીને 7 વિકેટ ઝડપી

Arati Parmar
3 Min Read

Womens Asia Cup 2026: મહિલા એશિયા કપ 2026માં શ્રીલંકાની સતત બીજી જીત, ઇન્ડોનેશિયાને 75 રને હરાવ્યું

Womens Asia Cup 2026: મહિલા એશિયા કપ 2026માં શ્રીલંકાએ સતત બીજી જીત મેળવી લીધી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ ઇન્ડોનેશિયાને 75 રને હરાવ્યું. ઇન્ડોનેશિયાએ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમના બોલરોએ દમદાર રમત દર્શાવી. 13મી ઓવરમાં 62 રને શ્રીલંકાની 6 વિકેટ પડી ગઈ હતી. તેમ છતાં ટીમ 124 રન બનાવવામાં સફળ રહી. જવાબમાં ઇન્ડોનેશિયાની ઇનિંગ્સ 19મી ઓવરમાં માત્ર 49 રને જ સમેટાઈ ગઈ. ટીમની બે મેચમાં આ બીજી હાર છે.

ચમારી અટાપટ્ટુએ 5 રન આપીને 7 વિકેટ ઝડપી

શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ શાનદાર બોલિંગ કરતાં 7 વિકેટ ઝડપી. તેમણે આ દરમિયાન માત્ર 5 રન આપ્યા. આ મહિલા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો 5મો અને મહિલા એશિયા કપનો બેસ્ટ સ્પેલ છે. આ દરમિયાન તેમણે હેટ્રિક વિકેટ પણ ઝડપી. ઇન્ડોનેશિયાની ઇનિંગ્સની છેલ્લી ત્રણ વિકેટ અટાપટ્ટુએ સતત ત્રણ બોલમાં ઝડપી લીધી. ઇન્ડોનેશિયાની કોઈ પણ બેટર ક્રીઝ પર ટકી શકી નહીં. ની માડે પુત્રી સુવાનદેવીની સૌથી મોટી 12 રનની ઇનિંગ્સ રહી. આ માટે તેમણે 32 બોલનો સામનો કર્યો. ઓપનર રહમવતી પાંગેસ્તુતીએ 14 બોલમાં 10 રન બનાવ્યા.

- Advertisement -

મહિલા T20 ઇન્ટરનેશનલમાં સૌથી બેસ્ટ સ્પેલ

9/4 (3) – લૌરા કાર્ડોસો, બ્રાઝિલ vs લેસોથો, 2026

- Advertisement -

7/0 (3.2) – રોહમાલિયા રોહમાલિયા, ઇન્ડોનેશિયા vs મંગોલિયા, 2024

7/3 (4) – ફ્રેડરિક ઓવરડિક, નેધરલેન્ડ્સ vs ફ્રાન્સ, 2021

- Advertisement -

7/3 (3.4) – એલિસન સ્ટોક્સ, આર્જેન્ટિના vs પેરુ, 2022

7/5 (3.3) – ચમારી અટાપટ્ટુ, શ્રીલંકા vs ઇન્ડોનેશિયા, 2026

નિલાક્ષિકા સિલ્વાએ ફિફ્ટી ફટકારી

ની કાદેક અરિયાનીએ બીજી જ ઓવરમાં શ્રીલંકાને પહેલો ઝટકો આપ્યો. ઇમેશા દુલાની માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. કેપ્ટન ચમારી અટાપટ્ટુના બેટમાંથી 13 બોલમાં 9 રન આવ્યા. પાવરપ્લેમાં શ્રીલંકાએ બે વિકેટે 31 રન બનાવ્યા. ત્યાર બાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. હર્ષિતા સમરવિક્રમાએ 10 બોલમાં 5 જ્યારે કવિશા દિલહારીએ 7 બોલમાં 6 રન બનાવ્યા. છઠ્ઠા ક્રમે ઉતરેલી નિલાક્ષિકા સિલ્વાએ એક છેડો સંભાળી લીધો.

કાવ્યા કવિંથીની સાથે 7મી વિકેટ માટે તેમણે 50 રનની ભાગીદારી કરી. સિલ્વાના બેટમાંથી 35 બોલમાં 50 રનની ઇનિંગ્સ આવી. તેમણે 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કાવ્યા 15 રન બનાવીને અણનમ રહી. ની લુહ દેવીએ 3 જ્યારે સાંગ માયપ્રિયાનીએ બે વિકેટ ઝડપી.

Share This Article