Asian Para Games 2026: જાપાનના નાગોયામાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે. ભારતે ટેબલ ટેનિસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતાં 5 કાંસ્ય ચંદ્રકો પોતાના નામે કર્યા. આ સાથે ભારતે એશિયન પેરા ગેમ્સના ઇતિહાસમાં ટેબલ ટેનિસમાં અગાઉના મેડલના પોતાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ ઐતિહાસિક સફળતામાં રવિ બેબી સહાના અને પ્રાચી પાંડેનું પ્રદર્શન સૌથી ખાસ રહ્યું, જેમણે સ્ટેન્ડિંગ કેટેગરીમાં ભારતને પ્રથમ ચંદ્રક અપાવ્યો.
સહાના અને પ્રાચીએ સ્ટેન્ડિંગ કેટેગરીમાં ઇતિહાસ રચ્યો
તમિલનાડુની રવિ બેબી સહાના અને પ્રાચી પાંડે એશિયન પેરા ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસની સ્ટેન્ડિંગ કેટેગરીમાં ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય ખેલાડીઓ બની છે. ક્લાસ 9ની સેમિફાઇનલ મેચમાં સહાનાને ચીનની 5 વખતની પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા માઓ જિંગડિયન સામે 8-11, 2-11, 4-11થી હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ, ક્લાસ 6ની સેમિફાઇનલમાં પ્રાચી પાંડે ઇરાકની વર્તમાન પેરાલિમ્પિક ચેમ્પિયન નજલા અલ-દાય્યેની સામે 9-11, 2-11, 8-11થી હારી ગઈ અને બંને ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો.
ભાવિના પટેલ અને સોનલબેન પટેલે પણ કાંસ્ય ચંદ્રક જીત્યો
પેરાલિમ્પિક ચંદ્રક વિજેતા ભાવિના પટેલે મહિલા સિંગલ્સ ક્લાસ 4-5ની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જ્યાં ચીનની 8 વખતની પેરાલિમ્પિક ચેમ્પિયન ઝાંગ બિયાને તેમને 7-11, 5-11, 7-11થી હરાવ્યાં. એશિયન પેરા ગેમ્સમાં ભાવિનાનો આ સતત બીજો કાંસ્ય ચંદ્રક છે. બીજી તરફ, ક્લાસ 3ની સેમિફાઇનલમાં સોનલબેન પટેલને દક્ષિણ કોરિયાની વર્તમાન ચેમ્પિયન જિયુ યુને 7-11, 5-11, 6-11થી હરાવ્યાં અને સોનલબેનને પણ કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.
જહાન મદાને ક્લાસ 1માં ભારતને પાંચમો ચંદ્રક અપાવ્યો
પુરુષોની સિંગલ્સ ક્લાસ 1 સ્પર્ધા (વ્હીલચેર કેટેગરી)માં જહાન મદાને પાંચ ખેલાડીઓના રાઉન્ડ-રોબિન તબક્કામાં ચોથું સ્થાન મેળવીને ભારતની ઝોળીમાં પાંચમો કાંસ્ય ચંદ્રક ઉમેર્યો. પાંચેય ભારતીય ખેલાડીઓએ પેરાલિમ્પિકના દિગ્ગજ ખેલાડીઓ સામે જોરદાર મુકાબલો કર્યો અને ભારત માટે આ એશિયન પેરા ગેમ્સમાં ટેબલ ટેનિસનું અત્યાર સુધીનું સૌથી સફળ અભિયાન સાબિત થયું છે.

