2011 બાદ ફરી વિશ્વવિજેતા બનવાના અરમાનો સાથે નંબર વન ક્રમાંકિત ટીમ ઈન્ડિયા

newzcafe
3 Min Read

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્રિકેટ જંગ


ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ જંગ


ચેન્નાઈ, તા. 7 : 2011 બાદ ફરી વિશ્વવિજેતા બનવાના અરમાનો સાથે નંબર વન ક્રમાંકિત ટીમ ઈન્ડિયા આવતી કાલે મજબૂત ઓસ્ટ્રેલિયા સામેની ટક્કર સાથે પોતાના વર્લ્ડકપના મિશનનો આરંભ કરશે. ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સ્પિનરોને મદદ કરવા માટે જાણીતી છે, ત્યારે ભારત કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઉપરાંત આર. અશ્વિન સાથે ઊતરી શકે છે. યજમાન ટીમ માટે ઈન્ફોર્મ ઓપનર શુભમન ગિલની બીમારી ચિંતાનો વિષય બની ગઈ છે. મેચની પૂર્વ સંધ્યાએ કપ્તાન રોહિત શર્માએ ગિલ રમશે કે બહાર રહેશે તેનો સ્પષ્ટ ખુલાસો કર્યો નહોતો, પણ સૂત્રો એવી શક્યતા દર્શાવી રહ્યા છે કે, જો ગિલ નહીં રમે તો ઈશાન કિશન નહીં પણ કે.એલ. રાહુલ રોહિત સાથે ઓપાનિંગમાં આવી શકે છે. મેચ બપોરે બે વાગ્યાથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાની કોશિશ રહેશે કે પહેલી જ મેચમાં જીત મેળવીને ટૂર્નામેન્ટની વિજયી શરૂઆત કરે. વિશ્વકપ પહેલા બન્ને ટીમ ત્રણ મેચની શ્રેણી રમી હતી. જેમાં ભારતીય ટીમે 2-1થી જીત મેળવી હતી. જો કે વિશ્વકપમાં બન્ને ટીમ નવી શરૂઆત સાથે ઉતરશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ ઉપર રમવું કોઈપણ ટીમ માટે સરળ રહ્યું નથી. આ સ્ટેડિયમની પિચને સંતુલિત માનવામાં આવે છે. જેમાં બેટ્સમેન અને બોલર બન્નેને મદદ મળતી રહે છે. વિકેટની વાત કરવામાં આવે તો તે સુકાયેલી રહેવાની આશા છે અને સ્પિનરને વધારે મદદ મળે તેવી સંભાવના છે. જો કે મેચ આગળ વધતો જશે તેમ તેમ વિકેટ ધીમી પડતી જશે અને બેટ્સમેનો માટે ફટકા મારવા મુશ્કેલ બનશે. તેવામાં આ પીચ ઉપર ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ પસંદ કરે તેવી સંભાવના વધારે હોય છે. આ મેદાન ઉપર વનડે મુકાબલાનો રેકોર્ડ જોવામાં આવે તો કુલ 22 મેચ રમવામાં આવ્યા છે. મેદાન ઉપર ટીમ ઈન્ડિયાએ 7 મુકાબલામાં જીત મેળવી છે અને સાત મુકાબલામાં હાર પણ મળી છે. ભારતના સ્ટાર ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ પર નજર રહેશે. ઓસ્ટ્રેલિયા પાસે પણ ડેવિડ વોર્નર, સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા જેવા મેચ વિજેતા ખેલાડીઓ છે.  ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમને વિશ્વકપમાં વિજેતા બનવાની પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે. બન્ને ટીમ વિશ્વકપમાં અભિયાનની શરૂઆત આ જ મહત્ત્વપૂર્ણ મુકાબલાથી કરવાની છે. તેવામાં દર્શકોને રોમાંચક મેચ જોવા મળવાની પૂરી સંભાવના છે. ટૂર્નામેન્ટનો આ પાંચમો મુકાબલો હશે. મેચ માટે ટોસનો સમય 1.30 વાગ્યાનો છે જ્યારે રમત બે વાગ્યાથી શરૂ થશે. મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસની તમામ ચેનલ ઉપરથી કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરીને તેમાં વિના મૂલ્યે મેચ જોઈ શકાશે. 

Share This Article