નેધરલેન્ડ સામે ઑસ્ટ્રેલિયાની ભવ્ય જીત
Thursday, 26 October 2023
નેધરલેન્ડ સામે ઑસ્ટ્રેલિયાની ભવ્ય જીત
નવી દિલ્હી તા. 25 : વન ડે ક્રિકેટ ઇતિહાસની રન અંતરથી અત્યાર સુધીની બીજી સૌથી મોટી જીત મેળવીને ઓસ્ટ્રેલિયાની વિશ્વકપમાં આગેકૂચ કરી છે. આજની મેચમાં નેધરલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 309 રને મહાવિજય થયો છે. આનાથી મોટી જીત ફકત ભારતે શ્રીલંકા વિરૂધ્ધ 317 રને હાંસલ કરી હતી. આ જીતથી ઓસ્ટ્રેલિયાએ મહત્વના બે પોઇન્ટ ઉપરાંત તેની નેટ રન રેટમાં પણ ઘણો સુધારો કર્યો છે. તે ચોથા સ્થાને છે. જ્યારે ડચ ટીમ તળિયા પર આવી ગઇ છે. આજની વિશ્વકપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેકસવેલની સૌથી ઝડપે 40 દડાની વિસ્ફોટક સદી અને ડેવિડ વોર્નરની આક્રમક સદીથી પ0 ઓવરમાં 8 વિકેટે 399 રન ખડકયા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ કોઇ પણ પ્રકારના પ્રતિકાર વિના 21 ઓવરમાં 90 રનમાં ડૂલ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પિનર એડમ ઝમ્પાએ સતત ત્રીજી મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આ માટે તેણે ફકત 8 રન જ આપ્યા હતા. 44 દડામાં 106 રનની આતશી ઇનિંગ્સ રમનાર ગ્લેન મેકસવેલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 400 રનના પહાડ સમાન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા નેધરલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે શરૂઆતથી જ ઘૂંટણિયે પડી ગઇ હતી. ઓપનર વિક્રમજીતે સૌથી વધુ 2પ રન કર્યાં હતા. કપ્તાન સ્કોટ એડવડર્સ 12 રન કરી શકયો હતો. ત્રણ ખેલાડી ઝીરોમાં આઉટ થયા હતા. આથી નેધરલેન્ડની ટીમનો 21 ઓવરમાં 90 રનમાં ધબડકો થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઝમ્પાને 4 વિકેટ ઉપરાંત મિચેલ માર્શે 2 વિકેટ લીધી હતી. સ્ટાર્ક, હેઝલવૂડ અને કમિન્સે 1-1 વિકેટ લીધી હતી. અગાઉ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરનાર ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેકસવેલની વિશ્વકપની સૌથી ઝડપી વિસ્ફોટક સદી અને ડેવિડ વોર્નરની વધુ એક શાનદાર સદીની પ0 ઓવરમાં 8 વિકેટે 399 રન ખડકીને બિન અનુભવી ટીમ નેધરલેન્ડ સમક્ષ જીતનું પહાડ સમાન 400 રનનું વિજય લક્ષ્ય મુકયું હતું. મેકસવેલના રન રમખાણને લીધે ઓસ્ટ્રેલિયાએ આખરી પ ઓવરમાં 84 રન ઉમેર્યાં હતા. ઇનિંગ્સની આખરી 10 ઓવરમાં ગ્લેન મેકસવેલે અદભૂત ફટકાબાજી કરીને રનનો ધોધ વહાવ્યો હતો. તેણે માત્ર 40 દડામાં સદી પૂરી કરીને વિશ્વકપમાં સૌથી ઝડપી સદીનો આફ્રિકાના એડમ માર્કરમનો રેકોર્ડ તોડયો હતો. મેકસવેલે ફકત 44 દડામાં 9 સણસણતા ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 106 રનની તાબડતોબ ઇનિંગ્સ રમીને ડચ ટીમના તમામ બોલરોની ધોલાઇ કરી હતી. તેના અને ઓસિ. કપ્તાન પેટ કમિન્સ વચ્ચે સાતમી વિકેટમાં માત્ર 44 દડામાં 103 રનનો ઝડપી ઉમેરો થયો હતો. આક્રમક ઓપનર ડેવિડ વોર્નરે વર્તમાન વિશ્વકપની તેની બીજી સદી ફટકારીને 93 દડામાં 11 ચોગ્ગા-3 છગ્ગાથી 104 રન કર્યાં હતા. તેના અને સ્મિથ વચ્ચે બીજી વિકેટમાં 118 દડામાં 132 રનની ભાગીદારી થઇ હતી. સ્મિથે 68 દડામાં 9 ચોગ્ગા-1 છગ્ગાથી 71 રન બનાવ્યા હતા. જ્યારે વોર્નર-લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટમાં 76 દડામાં 84 રનની ભાગીદારી થઇ હતી. લાબુશેન 47 દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી 62 રને આઉટ થયો હતો. જયારે વોર્નર વિશ્વકપની તેની ઓવરઓલ છઠ્ઠી સદી ફટકારીને 104 રને આઉટ થયો હતો. નેધરલેન્ડ તરફથી લોગાન વેન બીકે 74 રનમાં 4 વિકેટ લીધી હતી. બાસ ડલીડે 2 વિકેટ લીધી હતી પણ તેણે 10 ઓવરમાં 11પ રન લૂંટાવ્યા હતા. જે વન ડે ઇતિહાસનો સૌથી મોંઘો બોલિંગ સ્પેલ બન્યો છે.
