Ashes Gabba Record: બ્રિસ્બેનના ગાબા મેદાન પર એશિઝ સિરીઝ દરમિયાન ૯૭ વર્ષમાં પહેલીવાર એક એવો રેકોર્ડ બન્યો, જેમાં કોઈ એશિઝ ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં તમામ ૧૧ બેટ્સમેનોએ બેવડા અંકમાં રન બનાવ્યા. આ દુર્લભ સિદ્ધિ ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ઓછી જોવા મળે છે અને ગાબા ટેસ્ટે આ જૂના રેકોર્ડને તોડીને નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક ખેલાડીનું યોગદાન ટીમને મજબૂત બનાવવામાં મહત્ત્વનું રહ્યું અને નીચલા ક્રમે પણ જવાબદારી નિભાવતા સ્કોરને આગળ વધાર્યો.
આ યોગદાન સાથે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં ૫૧૧ રન બનાવ્યા. સમાચાર લખાયા ત્યાં સુધી ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૪૫ રન બનાવી લીધા હતા. આ પહેલાં બ્રિસબેન ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટ લેનાર સ્ટાર્કે પોતાની બેટિંગથી ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગ્સમાં ૧૭૭ રનની લીડ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવમા નંબરે બેટિંગ કરવા ઉતરેલા સ્ટાર્કે સૌથી વધુ ૭૭ રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ ૫૧૧ રન પર સમાપ્ત થઈ. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી મોટી ઇનિંગ્સ સ્ટાર્કે રમી હતી. તેમણે ૧૪૧ બોલમાં ૧૩ ચોગ્ગાની મદદથી ૭૭ રન બનાવ્યા હતા. સ્ટાર્કની આક્રમક બેટિંગને કારણે ૩૮૩ રન પર ૭ વિકેટ ગુમાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ૫૧૧ રન સુધી પહોંચી શકી. સ્કોટ બોલન્ડ ૨૧ રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સ્ટાર્કે ૭૭, જેક વિધરલેન્ડે ૭૨, માર્નસ લાબુશેને ૬૫, એલેક્સ કેરીએ ૬૩, અને સ્ટીવ સ્મિથે ૬૧ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રાયડન કાર્સને ૪, બેન સ્ટોક્સને ૩, જ્યારે જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન અને વિલ જેક્સને ૧-૧ વિકેટ મળી હતી.

