Blair Tickner at Number-11 vs India: ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ વનડેમાં 11મા ક્રમે બેટિંગ કરવા આવેલા બ્લેર ટિકનરે શાનદાર બેટિંગ કરી. ઓકલેન્ડના ઈડન પાર્કમાં ન્યૂઝીલેન્ડે 146 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ટિકનરે ચાર છગ્ગા ફટકાર્યા. આમાંથી ત્રણ છગ્ગા તેણે એક જ ઓવરમાં અર્શદીપ સિંહ સામે ફટકાર્યા. અમે તમને વનડેમાં 11મા ક્રમે બેટિંગ કરતી વખતે ભારત સામે સૌથી મોટી ઇનિંગ્સ રમનારા 5 બેટ્સમેનો વિશે જણાવીએ છીએ.
જોએલ ગાર્ડનર – 37 રન
ભારત સામે વનડેમાં 11મા ક્રમે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ જોએલ ગાર્ડરના નામે છે. 1983માં માન્ચેસ્ટરમાં રમાયેલી વનડેમાં તેમણે 29 બોલમાં 37 રનની ઇનિંગ્સ રમી હતી. છેલ્લી વિકેટ માટે એન્ડી રોબર્ટ્સ સાથે તેમણે 71 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ભારતે આ મેચ 34 રનથી જીતી લીધી હતી.
બ્લેર ટિકનર – 34 રન
બ્લેર ટિકનર આ યાદીમાં બીજા ક્રમે આવી ગયા છે. તેમણે માત્ર 23 બોલમાં 34 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં એક ચોગ્ગાની સાથે 4 છગ્ગા સામેલ હતા. ભારત સામે 11મા ક્રમે બેટિંગ કરતાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન પણ તેઓ બની ગયા છે.
શેન બોન્ડ – 31 રન
2003માં ઓકલેન્ડના મેદાન પર જ ન્યૂઝીલેન્ડ માટે શેન બોન્ડે ભારત સામે 11મા ક્રમે બેટિંગ કરવા આવીને 31 રન બનાવ્યા હતા. તેમણે માત્ર 15 બોલનો સામનો કર્યો હતો અને 2 ચોગ્ગા ઉપરાંત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
સુનીલ નરેન – 27 રન
વેસ્ટ ઇન્ડિઝના સુનીલ નરેનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. 2011માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઇન્દોરમાં વનડે મેચ રમાઈ હતી. નરેન 11મા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા અને અણનમ 27 રનની ઇનિંગ્સ રમી હતી. આ જ મેચમાં વીરેન્દ્ર સેહવાગે 219 રન ફટકાર્યા હતા.
કેમાર રોચ – 24 રન
2011માં વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન વિશાખાપટ્ટનમમાં કેમાર રોચ 11મા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા. તેમણે અણનમ 24 રનની ઇનિંગ્સ રમી હતી. વેસ્ટ ઇન્ડિઝે 170 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં ટીમ 269 રન સુધી પહોંચી હતી. 10મા ક્રમે બેટિંગ કરવા આવેલા રવિ રામપોલે 66 બોલમાં 86 રન ફટકાર્યા હતા.

