Footballer Ryan Williams: રેયાન વિલિયમ્સ અને અભિનીત ભારતી ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં જોડાયા, રેયાનએ ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડીને દાદાનું સપનું સાકાર કર્યું

Arati Parmar
2 Min Read

Footballer Ryan Williams: ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને(AIFF) 18મી નવેમ્બરે ઢાકામાં બાંગ્લાદેશ સામેની AFC એશિયન કપ ક્વોલિફાયર મેચ પહેલા રાષ્ટ્રીય શિબિરમાં બે વિદેશી ખેલાડી રેયાન વિલિયમ્સ અને અભિનીત ભારતીને સામેલ કર્યા છે. આ બંને ખેલાડીઓનું જોડાણ ભારતીય ફૂટબોલ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડી, દાદાનું સપનું કર્યું સાકાર

- Advertisement -

સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરનાર ખેલાડી રેયાન વિલિયમ્સ છે, જેણે ભારત માટે રમવા માટે પોતાની ઓસ્ટ્રેલિયન નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા અપનાવી છે. તેણે વર્ષ 2013ના અંડર-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રેયાન વિલિયમ્સે ભારતીય નાગરિકતા અપનાવવા પાછળનો હેતુ દાદાનું વચન પૂરું કરવું ગણાવ્યો છે.

વિલિયમ્સના દાદા ભારતીય હતા. જ્યારે તે જીવતા હતા, ત્યારે તેણે રેયાન વિલિયમ્સને એક વખત કહ્યું હતું કે ‘તું ભારત માટે રમજે.’ હવે વિલિયમ્સ તેમના દાદાનું સપનું પૂર્ણ કરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે વિલિયમ્સના નાના, લિંકન એરિક ગ્રોસ્ટેટ, પોતે પણ ભારતીય હતા. તેઓ ફૂટબોલ પણ રમતા હતા અને મુંબઈ ફૂટબોલમાં એક મોટું નામ ધરાવતા હતા.

‘દેશ માટે સર્વસ્વ આપીશ’

ભારતીય રાષ્ટ્રીય ટીમમાં જોડાવાના સપના વિશે વાત કરતાં રેયાન વિલિયમ્સે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ભારત માટે રમવું મારા માટે સન્માનની વાત હશે. જ્યારે હું ભારતીય જર્સી પહેરીશ, ત્યારે દેશ માટે મારું સર્વસ્વ આપીશ. હવે મારું લક્ષ્ય ભારતીય ટીમ માટે પોતાનું શ્રેષ્ઠ આપવાનું અને ભારતીય ફૂટબોલને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે.’

વિલિયમ્સની કારકિર્દી

પર્થમાં જન્મેલા 31 વર્ષીય રેયાન વિલિયમ્સ મિડફિલ્ડર છે. તે અંડર-20 અને અંડર-23 સ્તરે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તે પૂર્વ ISL ચેમ્પિયન બેંગલુરુ એફસી(Bengaluru FC)માં 2023માં જોડાયા તે પહેલાં તેણે ઇંગ્લિશ ક્લબ ફુલહામ (Fulham) અને પોર્ટ્સમાઉથ(Portsmouth)નું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું.

અભિનીત ભારતીની વાત કરીએ તો, તે ભારતીય નાગરિક છે અને બ્રાઝિલમાં રહે છે. આ બંને ખેલાડીઓનો રાષ્ટ્રીય શિબિરમાં સમાવેશ ભારતીય ફૂટબોલને મજબૂત કરવાના AIFFના પ્રયાસો દર્શાવે છે.

Share This Article