ઝડપી બોલર મોહમ્મદ શમી (4 વિકેટ) અને જસપ્રિત બુમરાહ (3 વિકેટ)ની આગઝરતી

newzcafe
3 Min Read

ભારતની ઇંગ્લેન્ડ સામે ભવ્ય જીત


ભારતની ઇંગ્લેન્ડ સામે ભવ્ય જીત 


લખનૌ, તા. 29 : ઝડપી બોલર મોહમ્મદ શમી (4 વિકેટ) અને જસપ્રિત બુમરાહ (3 વિકેટ)ની આગઝરતી બોલિંગ અને કપ્તાન રોહિત શર્માના ઝમકદાર 87 રનની મદદથી ઇંગ્લેન્ડ સામે 100 રને સંગીન વિજય હાંસલ કરીને ભારત વિશ્વ કપની સેમિ ફાઇનલ માટે લગભગ નિશ્ચિત બન્યું છે. તો અંગ્રેજો દેખીતી રીતે ફેંકાઇ ગયા છે. ટીમ ઇન્ડિયા વિજયના છગ્ગા સાથે પોઇન્ટ ટેબલ પર 12 પોઇન્ટ સાથે ટોચનાં સ્થાને પહોંચી છે, પ્લેયર ઓફ ધ મેચ કપ્તાન રોહિત શર્માની 87 રનની ફાંકડી ઇનિંગ્સથી ભારતના પ0 ઓવરમાં 9 વિકેટે 229 રન થયા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતની પેસ બેટરી સામે ઘૂંટણિયે પડી ગઇ હતી અને 34.પ ઓવરમાં 129 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ભારતનો 100 રને વિજય થયો હતો. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની 6 મેચમાં આ પાંચમી હાર છે અને પોઇન્ટ ટેબલ પર તળિયે છે. ખાસ વાત એ છે કે વિશ્વકપમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો બે દશક બાદ વિજય થયો છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને 2003માં 82 રને હાર આપી હતી. ઇંગ્લેન્ડ સામે ઘાતક બોલિંગ કરનાર મોહમ્મદ શમીએ 22 રનમાં 4 અને બુમરાહે 32 રનમાં 3 વિકેટ લીધી હતી. સ્પિનર કુલદીપને બે વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડના 6 બેટધર કલીન બોલ્ડ થયા હતા.230 રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ પ્રારંભથી જ ભારતની કાતિલ બોલિંગ સામે નતમસ્તક થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં બુમરાહ ત્રાટકયો હતો. તેણે ઓવરના પાંચમા દડે ડેવિડ મલાન (16)ને બોલ્ડ કર્યો હતો અને પછીના દડે સ્ટા જો રૂટને એલબીડબ્લ્યૂ આઉટ કરીને ઇંગ્લેન્ડને ડબલ ઝટકો આપ્યો હતો. ઇંગ્લેન્ડ આ કળમાંથી હજુ બહાર આવ્યું ન હતું ત્યાં શમીને કેર શરૂ થયો હતો. તેણે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ (0) અને જોની બેયરસ્ટો (14)ને કલીન બોલ્ડ કરીને ભારતની જીતનો માર્ગ બનાવ્યો હતો. ટોચની ચાર વિકેટ સસ્તામાં ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ ભારતની બોલિંગ સામે ઘૂંટણિયે પડી ગઇ હતી. કપ્તાન જોસ બટલરને કુલદીપ યાદવને બોલ્ડ કરીને ભારતની જીત નિશ્ચિત બનાવી દીધી હતી. મોઇન અલી (1પ)ને શમીએ તેના બીજા સ્પેલમાં વિકેટકીપર રાહુલ હાથે કેચ આઉટ કરાવીને શિકાર કર્યો હતો. જ્યારે ક્રિસ વોકસ જાડેજાની સ્પિન જાળમાં ફસાઇને બોલ્ડ થયો હતો. ઇંગ્લેન્ડની ચલતી કા નામ ગાડી સતત આગળ વધતી રહી હતી અને શમી ફરી ત્રાટકયો હતો અને રશીદ (13)ને કલીન બોલ્ડ કર્યો હતો. જયારે માર્ક વૂડ (0)ને બોલ્ડ કરીને બુમરાહે તેની ત્રીજી વિકેટ લીધી હતી. આથી ઇંગ્લેન્ડની પૂરી ટીમ 34.પ ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. અને ભારતનો 100 રને ધસમસતો વિજય થયો હતો. શમીએ 4, બુમરાહે 3 અને કુલદીપે 2 વિકેટ લીધી હતી.

Share This Article