એક જીત મળીજાય તો ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી જાય
Wednesday, 18 October 2023
એક જીત મળીજાય તો ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી જાય
નવી દિલ્હી, તા. 17 : ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં જબરદસ્ત શરૂઆત કરી ચૂકી છે. અત્યાર સુધીમાં ત્રણેય મેચમાં રોહિતસેનાને શાનદાર જીત મળી છે. જેમાંની બે જીત મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની છે. એટલે ટીમ ઇન્ડિયાએ બે મોટાં વિઘ્ન પાર કરી લીધાં છે. ટીમ ઇન્ડિયાને હવે બાંગલાદેશ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા સામેના મુકાબલા રમવાના બાકી છે. ફોર્મ અને પ્રદર્શનને જોતાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે હવે માત્ર એક જ મુશ્કેલ મેચ જીતવાની રહેશે. જો કે, ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. આથી કોઈ અટકળ થઈ શકે નહીં, પણ ટીમના ઇન્ડિયાના હાલના ફોર્મને નજરે રાખી કહી શકાય કે બાંગલાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ સામેનો પડકાર આસાન છે. જો ટીમ ઇન્ડિયા આ ત્રણેય મેચ જીતી લેશે તો તેના 12 પોઇન્ટ થઈ જશે. 2019ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમે 11 પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. એટલે એવું કહી શકાય કે, આ ત્રણ મેચની જીતથી ભારત સેમિફાઇનલમાં લગભગ પહોંચી જશે. ભારત માટે ત્રણ મુશ્કેલ મેચ ઇનફોર્મ ટીમ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે રમવાની છે. આ ત્રણ મેચમાંથી કોઈ એક મેચના વિજયથી ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં પહોંચવાથી કોઈ રોકી શકશે નહીં. આથી ભારતની સેમિફાઇનલની સ્થિતિ નિશ્ચિત જણાઈ રહી છે. વર્લ્ડકપમાં આઇપીએલની જેમ પ્લેઓફ રાઉન્ડ નથી. પોઇન્ટ ટેબલ પરની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. જ્યાં એક નંબરની ટીમની ટક્કર ચાર નંબરની ટીમ સામે થશે અને બીજી સેમિમાં બે અને ત્રણ નંબરની ટીમ આમને-સામને હશે. આથી ભારતીય ટીમ ટોચ પર રહીને લીગ રાઉન્ડ ખતમ કરવા માગશે. વિશ્વકપની અસલી પરીક્ષા સેમિફાઇનલમાં જ થતી હોય છે. 201પમાં ભારત ગ્રુપ સ્ટેજમાં અજેય હતું, પણ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. 2019ના વર્લ્ડકપમાં ટોચ પર રહીને સેમિમાં જગ્યા બનાવી હતી, પણ સેમિમાં ન્યૂઝીલેન્ડે પછડાટ આપી હતી. પાછલા એક દશકથી આઇસીસી ટ્રોફીનો ઇંતઝાર કરી રહેલી ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં જીત શોધવી પડશે. ભારતીય ટીમ છેલ્લે 2011ના વર્લ્ડકપમાં ધોનીની આગેવાનીમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
છેલ્લા ત્રણ વિશ્વકપથી યજમાન ટીમ વિશ્વવિજેતા
નવી દિલ્હી, તા. 17 : પાછલા ત્રણ વિશ્વકપથી હોમ ટીમ જ વિશ્વવિજેતા બની રહી છે. 2011માં ભારતમાં વિશ્વકપ રમાયો હતો અને ભારત વિશ્વવિજેતા બન્યું હતું. 201પનો વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયો હતો અને ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચમીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. 2019નો વર્લ્ડકપ ઇંગ્લેન્ડમાં રમાયો હતો અને ફાઇનલમાં રસાકસી બાદ વધુ બાઉન્ડ્રીના આધારે ન્યૂઝીલેન્ડને હાર આપીને ઇંગ્લેન્ડે પહેલીવાર વિશ્વકપ ટ્રોફી કબજે કરી હતી. હવે 2023નો વિશ્વકપ ફરી ભારતની સરજમીં પર રમાઈ રહ્યો છે અને ટીમ ઇન્ડિયા ત્રીજીવાર વિશ્વવિજેતા બને તેવા ઊજળા સંજોગો છે.
