સ્લો ઓવર રેટ બદલ ભારત અને વેસ્ટઇન્ડીઝ પર ICCની કાર્યવાહી, ભારતીય ખેલાડીઓની 20% મેચ ફી કપાશે
India West Indies ODI Fine: ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ હતી. આ સિરીઝ ટીમ ઇન્ડિયાએ 2-1થી પોતાના નામે કરી. શનિવારે રમાયેલી ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ ODI મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બંને ટીમો પર સ્લો ઓવર રેટ માટે ભારે દંડ લગાવ્યો છે. મેચમાં નક્કી સમયમર્યાદામાં ઓવર પૂર્ણ ન કરી શકવાના કારણે ભારતીય ટીમ પર 20 ટકા અને વેસ્ટઇન્ડીઝની ટીમ પર 10 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ભારત 4 ઓવર અને વેસ્ટઇન્ડીઝ 2 ઓવર પાછળ રહી
ICC મેચ રેફરીની ઇન્ટરનેશનલ પેનલના સભ્ય પ્રકાશ ભટ્ટે સમયની છૂટને ધ્યાનમાં લીધા બાદ બંને ટીમો પર આ પેનલ્ટી લાગુ કરી. ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં નક્કી મર્યાદાથી 4 ઓવર પાછળ રહી હોવાનું જાણવા મળ્યું, જેના કારણે ભારતીય ખેલાડીઓ પર 20% મેચ ફીનો ફાઇન લગાવવામાં આવ્યો. જ્યારે વેસ્ટઇન્ડીઝની ટીમ નિર્ધારિત સમયથી 2 ઓવર પાછળ રહી, જેના કારણે કેરેબિયન ખેલાડીઓ પર 10% મેચ ફીનો દંડ લગાવવામાં આવ્યો.
ICC કોડ ઑફ કન્ડક્ટનો નિયમ
ICCના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલા કોડ ઑફ કન્ડક્ટ (Article 2.22) હેઠળ, જો કોઈ ટીમ આપવામાં આવેલા સમયમાં ઓવર પૂર્ણ કરવામાં અસમર્થ રહે છે, તો દરેક ધીમી ઓવર બદલ ખેલાડીઓ પર તેમની મેચ ફીના 5 ટકા દંડ લગાવવામાં આવે છે.
બંને ટીમોના કેપ્ટનોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પ્રસ્તાવિત દંડને મંજૂરી આપી દીધી, જેના કારણે મામલામાં ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહીં. મેદાની અમ્પાયર જયરામન મદનગોપાલ અને સેમ નોગાજ્સ્કી, ત્રીજા અમ્પાયર શરફુદ્દૌલા ઇબ્ને શાહિદ અને ચોથા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ આ ઉલ્લંઘનના આરોપ નક્કી કર્યા હતા. આ સિરીઝ દરમિયાન ત્રણ હાઇ સ્કોરિંગ મુકાબલા જોવા મળ્યા, આ જ કારણ રહ્યું કે બંને ટીમોના બોલરોએ ઘણો સમય લીધો.

