India A vs New Zealand A: યશ રાઠોડ અને યશસ્વી જયસ્વાલની સદી છતાં બીજી અનાધિકૃત ટેસ્ટ ડ્રૉમાં સમાપ્ત

Arati Parmar
2 Min Read

India A vs New Zealand A: ઇન્ડિયા A અને ન્યૂઝીલેન્ડ A વચ્ચેની બીજી અનાધિકૃત ટેસ્ટ મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ છે. મેચના છેલ્લા દિવસે ત્રીજા સેશનમાં યશ રાઠોડે 122 બોલમાં પોતાની સદી પૂરી કરી. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન ડ્રૉ માટે સંમત થયા. ભારતે બીજી ઇનિંગ્સમાં 2 વિકેટે 282 રન બનાવ્યા. પ્રથમ ઇનિંગ્સમાં ટીમે 346 રન બનાવ્યા હતા. તેના જવાબમાં 424 રન બનાવીને ન્યૂઝીલેન્ડ Aએ 76 રનની સરસાઈ મેળવી હતી.

ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ પણ ડ્રૉ રહી હતી. ઇન્ડિયા Aની ટીમ જીતની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે ન્યૂઝીલેન્ડ Aની ટીમ માંડ બચી હતી, કારણ કે તેની 9 વિકેટ પડી ચૂકી હતી. ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચ 7 નવેમ્બરથી રમાશે.

- Advertisement -

યશ રાઠોડના 3000 રન પણ પૂરા

વિદર્ભના ડાબોડી બેટ્સમેન યશ રાઠોડ ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા. 122 બોલમાં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની 11મી સદી ફટકારી. 26 વર્ષના યશે હજુ સુધી ભારત માટે ડેબ્યૂ કર્યું નથી. તેઓ વિદર્ભ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. આ સાથે જ તેમણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં પોતાના 3000 રન પણ પૂરા કર્યા. 33 મેચની 55 ઇનિંગ્સમાં 60.08ની સરેરાશથી તેમના 3004 રન થઈ ગયા છે. આ સિરીઝમાં 223 રન બનાવ્યા બાદ તેઓ બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

યશસ્વી 155 રન બનાવીને અણનમ રહ્યા

ઇન્ડિયા A માટે ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 155 રનની અણનમ ઇનિંગ્સ રમી. તેમણે 162 બોલનો સામનો કર્યો. પોતાની ઇનિંગ્સમાં તેમણે 15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. યશસ્વીની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની આ 18મી સદી છે. ત્રીજી વિકેટ માટે યશસ્વી અને યશ વચ્ચે 247 રનની ભાગીદારી થઈ. બંનેએ 242 બોલનો સામનો કર્યો અને 6થી વધુના રન રેટથી બેટિંગ કરી.

- Advertisement -

મેચના ચોથા અને છેલ્લા દિવસે ઇન્ડિયા Aએ માત્ર બે વિકેટ ગુમાવી હતી. સાઈ સુદર્શન 11 રન બનાવીને પ્રથમ બેટ્સમેન તરીકે આઉટ થયા હતા. જ્યારે દેવદત્ત પડિક્કલ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા. તેઓ ગોલ્ડન ડક થયા હતા.

- Advertisement -
Share This Article