ભારતે દક્ષિણ આફ્રિકા પર 106 રને ભવ્ય જીત મેળવી
ભારતે દક્ષિણ આફ્રિકા પર 106 રને ભવ્ય જીત મેળવી
જોહાનિસબર્ગ, તા. 14 : સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક સદી (56 દડામાં 100) અને કુલદીપ યાદવની કરિશ્માઈ બોલિંગ (17 રનમાં પાંચ વિ.)ના સહારે ભારતે અહીં ત્રીજી ટી 20માં દક્ષિણ આફ્રિકા પર 106 રને ભવ્ય જીત મેળવીને શ્રેણી 1-1થી સરભર કરી હતી. ટીમ ઈન્ડિયાએ 201 રન ખડકયા બાદ આફ્રિકા 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગયું હતું. માત્ર ડેવિડ મિલર (25 દડામાં 35) અને માર્કરમ (25)?જ પ્રતિકાર કરી શક્યા હતા. જાડેજાએ 25માં બે, અર્શદીપે 13માં 1, મુકેશ કુમારે 21માં 1 વિ. ઝડપી હતી. અગાઉ કપ્તાન સૂર્યકુમાર યાદવની આતશી અને ઝમકદાર સદીની મદદથી ભારતે 7 વિકેટે 201 રનનો સંગીન સ્કોર બનાવ્યો હતો.
સૂર્યકુમારે કેરિયરની ચોથી સદી ફટકારીને રોહિત શર્માની ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ 4 સદીની બરાબરી કરી હતી. સૂર્યકુમારે વોન્ડરર્સના મેદાન પર 360 ડિગ્રી બેટિંગ કરીને માત્ર પ6 દડામાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાથી પૂરા 100 રન કર્યાં હતા. આ સિવાય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 60 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. ટોસ જીતીને દ. આફ્રિકાએ ભારતને દાવ આપ્યો હતો. ભારતના દાવની શરૂઆત વિસ્ફોટક રહી હતી. શુભમન અને યશસ્વીએ બે ઓવરમાં જ ભારતનો સ્કોર 29 રન પર પહોંચાડી દીધો હતો. આ પછી ત્રીજી ઓવરમાં કેશવ મહારાજે ગિલ અને તિલક વર્માને ઉપરાઉપરી આઉટ કર્યાં હતા. ગિલે 6 દડામાં 3 ચોગ્ગાથી 12 રન કર્યાં હતા. તિલક શૂન્યમાં આઉટ થયો હતો. આ પછી કપ્તાન સૂર્યકુમાર યાદવના સાથમાં યશસ્વી જયસ્વાલે પાવર હિટિંગ કરીને ભારતની રન રફતાર વધારી હતી. સૂર્ય-યશની જોડીએ આતશી બેટિંગ કરીને ત્રીજી વિકેટમાં 70 દડામાં 112 રનની ભાગીદારી કરી હતી. યશસ્વી 41 દડામાં 6 ચોગ્ગા-3 છગ્ગાથી લાજવાબ 60 રન કરીને આઉટ થયો હતો.
આ દરમિયાન સૂર્યકુમારે તેની 18મી અર્ધસદી આક્રમક અંદાજમાં પૂરી કરી હતી. બાદમાં સૂર્યકુમારે રનનું રમખાણ સર્જીને સદી ફટકારી હતી. રિંકુ સિંહ 14 રને આઉટ થયો હતો. જાડેજા 4 રને રનઆઉટ થયો હતો. જિતેશ શર્મા 4 રને હિટ વિકેટ થયો હતો. ભારત આખરી બે ઓવરમાં 14 રન જ કરી શકી હતી. આમ છતાં 201 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. આફ્રિકા તરફથી મહારાજ અને વિલિયમ્સે 2-2 વિકેટ લીધી હતી.
