IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના યોગ્ય સમયે ફોર્મમાં પરત ફર્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ પ્લેઓફના ચાર સ્થાનો માટે હવે આઠ ટીમો દોડમાં છે જ્યારે લીગ તબક્કાના દસ દિવસ બાકી છે. ગત ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફમાં પહોંચવું નક્કી લાગી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ધીમી શરૂઆત બાદ સારો દેખાવ કર્યો છે.
પરંતુ સૌથી હેરાનીની વાત પંજાબ કિંગ્સનો અચાનક ખરાબ દેખાવ છે. સારી શરૂઆત બાદ ટીમ સતત ચાર મેચ હારી ચુકી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બહાર થઈ ચુક્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળની ટીમે તે સાતત્ય જાળવી રાખ્યું છે જેના દમ પર તેણે ગયા વર્ષે પહેલીવાર આઈપીએલ ખિતાબ જીત્યો હતો.
હવે બુધવારે તેનો સામનો કેકેઆર સામે છે જેને જીતવા પર તેની પ્લેઓફમાં જગ્યા લગભગ નક્કી થઈ જશે.
અત્યાર સુધી 11 મેચોમાં 14 પોઈન્ટ મેળવી ચુકેલી આરસીબીનો નેટ રનરેટ સૌથી સારો છે.
કેકેઆર બાદ તેણે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાનું છે.
પંજાબ કિંગ્સ
ખરાબ બોલિંગ અને ફિલ્ડિંગથી પંજાબને સતત ચાર હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ આઈપીએલના પ્રથમ તબક્કામાં શાનદાર પ્રદર્શનને કારણે ટીમ હજુ પણ અંતિમ ચારમાં છે.
તેનો નેટ રનરેટ પણ ઠીક છે.
હવે તેણે મુંબઈ ઈન્ડિયન્સ, આરસીબી અને સનરાઇઝર્સ સામે બાકીની ત્રણમાંથી બે મેચ જીતવી પડશે.
તેના 11 મેચોમાં 13 પોઈન્ટ છે અને ધર્મશાલામાં મુંબઈ સામેની મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે.
ગુજરાત ટાઇટન્સ
ચાર વર્ષ પહેલા ડેબ્યૂ કર્યા પછી ગુજરાત ફક્ત એક જ વાર પ્લેઓફમાં નથી પહોંચ્યું.
બોલરોના શાનદાર પ્રદર્શન અને ટોચના ત્રણ બેટ્સમેનોના ફોર્મના દમ પર શુભમન ગીલની આગેવાનીવાળી ટીમ ટોચના બેમાં જગ્યા બનાવવાની દાવેદાર છે.
ગુજરાતના 12 મેચોમાં 16 પોઈન્ટ છે અને છેલ્લી બે મેચ કેકેઆર તથા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
છેલ્લી આઠ મેચોમાં છ જીત બાદ સનરાઇઝર્સ યોગ્ય સમયે ફોર્મમાં પરત ફરી છે.
બેટ્સમેનોએ પોતાના કામને સારી રીતે અંજામ આપ્યો છે અને બોલરો પણ પાછળ રહ્યા નથી.
સનરાઇઝર્સના 14 પોઈન્ટ છે અને આગામી બે મેચોમાં તેણે ચેન્નાઈ અને આરસીબી સામે રમવાનું છે.
તેને પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા બે પોઈન્ટ વધુ બનાવવા પડશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
પહેલી ત્રણ મેચ હાર્યા બાદ ચેન્નાઈએ છેલ્લી આઠમાંથી છ મેચ જીતી છે.
તેણે 15 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામે બે પોઈન્ટ મેળવવા પડશે જેના પછી સનરાઇઝર્સ અને ગુજરાત સામે છેલ્લી બે મેચ રમવાની છે.
આગામી દસ દિવસમાં ચેન્નાઈએ ત્રણેય મેચ જીતવી પડશે કારણ કે આ વખતે 18 પોઈન્ટ પ્લેઓફ ક્વોલિફિકેશનની ગેરંટી લાગી રહ્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ
અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળની ટીમ પહેલા હાફમાં સારું પ્રદર્શન કરી શકી નહીં પરંતુ સતત છ હાર બાદ છેલ્લી ચાર મેચ જીતીને પાટા પર પરત ફરી.
તેની પાસે બીજી ટીમો કરતા એક મેચ વધુ છે અને મહત્તમ 17 પોઈન્ટ મળી શકે છે.
કેકેઆરને છેલ્લી ત્રણેય મેચ ઈડન ગાર્ડન્સ પર રમવાની છે.
રાજસ્થાન રોયલ્સ
વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલના શાનદાર પ્રદર્શન છતાં રોયલ્સ પ્રદર્શનમાં સાતત્ય લાવી શક્યા નહીં.
ચાર જીત સાથે શરૂઆત કરનારી ટીમ છેલ્લી સાતમાંથી પાંચ મેચ હારી ગઈ.
બોલિંગ પણ તેમનો માથાનો દુખાવો બની છે.
11 મેચોમાં 12 પોઈન્ટ મેળવનારા રોયલ્સને આગામી ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે અને બાકીના પરિણામો પણ સાનુકૂળ રહે તેવી પ્રાર્થના કરવી પડશે.
તેણે બાકીની મેચોમાં દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ સામે રમવાનું છે.
દિલ્હી કેપિટલ્સ
અક્ષર પટેલની કેપ્ટનશીપમાં દિલ્હીએ આગામી સત્રની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે.
તેના 12 મેચોમાં 14 જ પોઈન્ટ છે અને તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર જ છે.

