IPL Action On Kyle Jamieson: દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કાઇલ જેમિસને રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો હતો. વૈભવે જેમિસન વિરુદ્ધ પ્રથમ બોલ પર જ ચોગ્ગો માર્યો હતો. આગામી બોલ પર ન્યૂઝીલેન્ડના જેમિસને શાનદાર યોર્કર નાખ્યો હતો. વૈભવ પાસે તેનો કોઈ જવાબ નહોતો અને તે બોલ્ડ થઈ ગયો. વિકેટ મળ્યા બાદ જેમિસને આક્રમક જશ્ન મનાવ્યો હતો. વૈભવની પાસે જઈને તેણે જોરદાર હુંકાર ભરી હતી અને તેના કારણે તેની ઘણી ટીકા થઈ રહી હતી.
IPL એ લીધો જેમિસન પર એક્શન
આક્રમક સેલિબ્રેશન માટે કાઇલ જેમિસનને IPL એ વોર્નિંગ આપી છે. આની સાથે જ તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ પધરાવી દેવામાં આવ્યો છે. IPL એ પોતાના નિવેદનમાં કહ્યું, ‘દિલ્હી કેપિટલ્સના બોલર કાઇલ જેમિસનને જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ નંબર 43 દરમિયાન, IPL ના ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે બનેલી આચાર સંહિતાના લેવલ 1 નું ઉલ્લંઘન કરવા બદલ એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે અને ચેતવણી પણ મળી છે.’
કાઇલ જેમિસને પોતાની ભૂલ સ્વીકારી
કાઇલ જેમિસને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. IPL ના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે- જેમિસનને IPL ની આચાર સંહિતાની કલમ 2.5 નું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા, જે એવી ભાષા, હરકતો અથવા હાવભાવનો ઉપયોગ કરવા સાથે સંબંધિત છે, જે કોઈને નીચું બતાવતી હોય અથવા મેચમાં કોઈ બીજા ખેલાડી તરફથી આક્રમક પ્રતિક્રિયા ભડકાવી શકે તેમ હોય. જેમિસને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને મેચ રેફરી રાજીવ સેઠ દ્વારા લાદવામાં આવેલા દંડનો સ્વીકાર કરી લીધો.
વૈભવે કોઈ રિએક્શન આપ્યું નહીં
કાઇલ જેમિસનના આક્રમક સેલિબ્રેશન પછી પણ વૈભવ સૂર્યવંશીએ પોતાને શાંત રાખ્યો. તેણે કોઈ રિએક્શન આપ્યું નહીં અને પેવેલિયન તરફ પાછો ફરી ગયો. તેના કારણે મેદાન પર વધારે વિવાદ થયો નહીં. અનેક પ્રસંગોએ બેટ્સમેન પણ રિએક્ટ કરી દેતો હોય છે અને મેદાન પર માહોલ બગડી જતો હોય છે.

