Indian cricketer comeback after heart surgery : કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપ જીતવો, IPL કોન્ટ્રાક્ટ, રણજી ડેબ્યૂ પર બેવડી સદી (113, 113*), દુલીપ ટ્રોફી ડેબ્યૂમાં પણ સદી. યશ ધુલ માટે આ બધું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. એવું લાગતું હતું કે ભારતીય ક્રિકેટનો આગામી મોટો સ્ટાર સામે આવી ચૂક્યો છે.
શરૂઆતમાં ચમક પરંતુ પછી મોટો ઝટકો
પરંતુ 21 વર્ષની ઉંમરે જૂન 2024માં તેને ખબર પડી કે તેના હૃદયમાં 17 મીમીનું કાણું છે. અચાનક બધું અટકી ગયું. તેને સર્જરી કરાવવી પડી અને એક મહિના માટે આરામ કરવો પડ્યો. જ્યારે તે ઓગસ્ટમાં દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં પરત ફર્યો તો તેના શરીરે તેને સાથ ન આપ્યો. તેને ટુર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી, જ્યાં તે સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો.
DPLમાં વાપસી
હવે એક વર્ષ પછી યશ ધુલ ફરીથી આ જ ટુર્નામેન્ટમાં પરત ફર્યો છે. આ વખતે તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. DPL 2025માં અત્યાર સુધીમાં તેણે 8 ઈનિંગ્સમાં 435 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 167.31 અને એવરેજ 87.00 રહી છે, જેમાં બે સદી પણ સામેલ છે. હાલમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. હવે તેનો આગામી પડાવ દુલીપ ટ્રોફી છે, જ્યાં તે 28 ઓગસ્ટથી બેંગલુરુમાં નોર્થ ઝોન માટે રમશે.
22 વર્ષીય ધુલે એક ઈન્ટરવ્યુમાં તે મુશ્કેલ સમયને યાદ કર્યો. તેણે કહ્યું કે, ‘તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. હું સર્જરીથી બચવા માગતો હતો કારણ કે DPL અને ડોમેસ્ટિક સિઝન આવી રહી હતી. પરંતુ ડૉક્ટરે કહ્યું કે બીજો કોઈ રસ્તો નથી. સર્જરી પછી હું આખો મહિનો પથારીમાં રહ્યો. જ્યારે મેં ટ્રેનિંગ શરૂ કરી ત્યારે મારું બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા ઝડપથી વધી જતા હતા, શ્વાસ ફૂલી જતો હતો. ડૉક્ટરે કહ્યું કે જો હું વધુ પડતું દબાણ લઈશ તો કંઈ પણ થઈ શકે છે. તે સમયે ક્યારેક-ક્યારેક મને લાગતું હતું કે કદાચ હું ક્રિકેટ નહીં રમી શકીશ.’
રણજીમાં નવી શરૂઆત
ધીમે-ધીમે ફિટનેસ પાછી આવવા લાગી. તેણે ઉતાવળ ન કરી. તેણે 2024-25 સિઝન માટે પોતાને સંભાળ્યો અને રણજી ટ્રોફીમાં દિલ્હી માટે 7 મેચ રમી. આ દરમિયાન તેણે 444 રન બનાવ્યા, તેની એવરેજ 49.33 હતી અને તેણે 2 સદી ફટકારી.
તમિલનાડુ સામેની સદી તેના માટે સૌથી ખાસ રહી. ધુલે કહ્યું કે, ‘આ ઈનિંગ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે મારા પરિવારને પણ ચિંતા હતી કે હું લાંબા સમય સુધી રમી શકીશ કે નહીં. પરંતુ મેં આખો દિવસ બેટિંગ કરી અને દબાણમાં ટીમ માટે રન બનાવ્યા. તે સમયે મને ખૂબ સંતોષ થયો.’
તે ઈનિંગ પછી બધાએ તેનું સેલિબ્રેશન જોયું, હેલ્મેટ ઉતારીને હાથ ફેલાવીને, જોરથી બૂમો પાડવી અને આંખોમાં આંસુ આવી જવા. તાજેતરમાં જ્યારે તેણે DPLમાં 56 બોલમાં અણનમ 101 રન બનાવ્યા ત્યારે પણ તેણે એવું જ સેલિબ્રેશન કર્યું.
ધુલે આગળ કહ્યું કે, સર્જરી મારા કરિયર માટે મોટો ઝટકો હતી. ક્યારેક-ક્યારેક એવું લાગતુ હતું કે, હું ક્રિકેટમાં વાપસી નહીં કરી શકીશ. તેથી હવે જ્યારે પણ સદી ફટકારું છું ત્યારે ભાવના આપમેળે બહાર આવી જાય છે.
ધુલ ક્યારે ચર્ચામાં આવ્યો?
ધુલનું નામ 2022માં ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે અંડર-19 વર્લ્ડ કપમાં 76.33ની એવરેજથી રન બનાવ્યા અને ભારતને ટાઈટલ અપાવ્યું. થોડા સમય પછી તેણે રણજી ડેબ્યૂ પર તમિલનાડુ સામે બેવડી સદી ફટકારી. તે જ વર્ષે તેને દુલીપ ટ્રોફી અને ઈરાની કપમાં પસંદ કરવામાં આવ્યો અને તેણે દિલ્હી માટે વ્હાઈટ-બોલ ડેબ્યૂ કર્યું.
દુલીપ ટ્રોફી ડેબ્યૂ પર સદી, પછી ઈન્ડિયા-A ટીમમાં સ્થાન, બાંગ્લાદેશનો પ્રવાસ, દિલ્હીની રણજી કેપ્ટનશીપ અને પછી દિલ્હી કેપિટલ્સ તરફથી 50 લાખનો આઈપીએલ કોન્ટ્રાક્ટ. 2023માં ઉભરતા એશિયા કપમાં તે ઈન્ડિયા-A ટીમનો કેપ્ટન હતો, જ્યાં તેના સાથી ખેલાડીઓ અભિષેક શર્મા, બી સાઈ સુદર્શન, રિયાન પરાગ, નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણા હવે ટીમ ઈન્ડિયામાં પહોંચી ગયા છે.
પરંતુ આ ઊંચાઈઓ વચ્ચે નિરાશાઓ પણ હતી. સતત પ્રદર્શનમાં અસ્થિરતા રહી, ભારત-A માં તકો ઘટી ગઈ અને IPL 2025 મેગા ઓક્શનમાં તેને કોઈપણ ટીમ દ્વારા ખરીદવામાં ન આવ્યો.
યશ ધુલે કહ્યું કે, ‘ખેલાડીના કરિયરમાં ઉતાર-ચઢાવ જરૂરી છે. આપણને તેમાંથી જ શીખ મળે છે. પહેલા હું ભૂતકાળ અને ભવિષ્યની મૂંઝવણમાં હતો. હવે હું માત્ર વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરું છું. અત્યારે મારું ધ્યાન DPL અને પછી દુલીપ ટ્રોફી પર છે. જો પ્રદર્શન સારું રહેશે તો બાકીનું બધું આપમેળે થશે. મારે બસ સતત રમવું પડશે અને મારા સમયની રાહ જોવી પડશે.’
યશ ધુલની આ સ્ટોરી જણાવે છે કે, અસલી જંગ માત્ર મેદાન પર જ નહીં પરંતુ જીવન સાથે પણ હોય છે. હાર્ટ સર્જરી જેવા મોટા ઝટકામાંથી બહાર નીકળીને મેદાન પર વાપસી કરવી અને પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને જવાબ આપવો એ જ તેની સૌથી મોટી જીત છે.