ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત
Wednesday, 06 September 2023
ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત
કેન્ડી (શ્રીલંકા) : ક્રિકેટ વિશ્વયુદ્ધ માટે ટીમ ઈન્ડિયાના યોદ્ધાઓનું આજે એલાન થઈ ગયું છે. વન-ડે વર્લ્ડ કપ માટેની રોહિત શર્માનાં નેતૃત્વ હેઠળની 1પ સભ્યની ભારતીય ટીમમાં ધારણા મુજબ પ્રયોગ કરવામાં આવ્યા નથી. આ વખતે વર્લ્ડ કપ ભારતમાં છે, ત્યારે દેશના ક્રિકેટચાહકોને આશા છે કે, ટીમ 12 વર્ષે ફરી વિશ્વવિજેતા બનશે. જેની ફિટનેસ સામે હજી સવાલો છે તે કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યરને સ્થાન મળ્યું છે, પણ પ્રતિભાશાળી લેગસ્પિનર યજુવેન્દ્ર ચહલની બાદબાકીએ ચર્ચા જગાવી છે. ટી-20 ક્રિકેટનો શાનદાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે, જ્યારે સંજુ સેમસનને બહાર રખાયો છે. અનુભવી ઓફસ્પિનર આર. અશ્વિનને સામેલ કરાયો નથી, પણ સ્પિનર કમ ઓલરાઉન્ડર અક્ષર પટેલને સ્થાન મળ્યું છે. સંભવત: આઠમા ક્રમે થોડી બેટિંગ કરી શકે એવા ક્રિકેટરની જરૂરિયાતના લીધે તેનો સમાવેશ થયો છે. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કપ્તાન રોહિતે એક પત્રકાર પરિષદમાં ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે, ટીમમાં ત્રણેય સ્પિનર ડાબોડી છે. જો કે, કુલદીપ યાદવ ચાઈનામેન બોલર છે. ભારતમાં પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનાર વિશ્વકપ માટે 29 સપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરી શકાશે. ટીમમાં ઇશાન કિશન, મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે.