Fifa World Cup 2026: ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં ઈરાનનો પ્રવાસ ખૂબ જ તણાવપૂર્ણ અને વિવાદોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામે સોફી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચ પછી તરત જ ઈરાની ટીમને અમેરિકા છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેચ પછી ઈરાનના હેડ કોચ અમીર ઘાલેનોઈએ આ વાતની પુષ્ટિ કરતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયેલ સાથે શરૂ થયેલા યુદ્ધને કારણે તેમની ટીમે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈરાને પોતાની મેચો અમેરિકાની બહાર શિફ્ટ કરવાની માંગ કરી હતી પરંતુ ફિફાએ વેન્યૂ કોન્ટ્રાક્ટ અને લોજિસ્ટિક્સનું કારણ આપીને તેને ફગાવી દીધી હતી.
ઈરાનના કોચે પણ વ્યક્ત કર્યું દુઃખ
ટૂર્નામેન્ટ દરમિયાન ટીમે એરિઝોનામાં ટ્રેનિંગ કરવાની હતી પરંતુ વિઝા શરતો અને સુરક્ષા કારણોસર તેમને પોતાનો બેઝ મેક્સિકોના શહેર તિજુઆનામાં બનાવવો પડ્યો. ટીમને મેચના દિવસે જ અમેરિકા આવવા અને રમત પૂરી થતા જ તરત જ પાછા મેક્સિકો પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુસાફરીના આ પ્રતિબંધો અને થાક પર પોતાની ભડાશ કાઢતા કોચ અમીર ઘાલેનોઈએ મીડિયાને કહ્યું, ‘અમે અમારો મોટાભાગનો સમય હવામાં મુસાફરી કરતા વિતાવ્યો છે. તેમણે અમને રિકવરીનો સમય પણ નથી આપ્યો. મેચ પૂરી થતા જ અમને કહેવામાં આવ્યું કે અમારે તરત જ અમેરિકા છોડવું પડશે. અમારા માટે રિકવરીનો સમય ખૂબ જરૂરી છે પરંતુ અમને પાછા તિજુઆના પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. મને લાગે છે કે અમારી ટીમ કદાચ આખા વિશ્વ કપની સૌથી પ્રતાડિત ટીમ છે.’
કેપ્ટન મેહદી તારેમીનો ખુલાસો
મેચ પછી ફિફા અધ્યક્ષ ગિયાની ઈન્ફેન્ટિનોએ ઈરાની ટીમના લોકર રૂમની મુલાકાત લીધી હતી. આ વાત પર ચર્ચા કરતા ટીમના કેપ્ટન મેહદી તારેમીએ કહ્યું કે ઈન્ફેન્ટિનો ચોક્કસપણે અમારી મદદ કરવા માંગે છે પરંતુ આ મામલો અન્ય વસ્તુઓ સાથે પણ જોડાયેલો છે. આ ઉપરાંત તેમણે એ પણ ખુલાસો કર્યો કે ઈરાન ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ મેહદી તાજ અને તેમના સપોર્ટ સ્ટાફના ઘણા સભ્યોને અમેરિકાની મુસાફરી કરતા રોકવામાં આવ્યા હતા. ફિફા પાસેથી મદદની આશા વ્યક્ત કરતા તારેમીએ કહ્યું, ‘મને લાગે છે કે ફિફાએ આ મામલે અમારી આનાથી ઘણી વધારે મદદ કરવી જોઈએ. જોઈએ કે આવનારા સમયમાં શું થાય છે.’
સ્ટેડિયમમાં રાજકીય વિરોધ
આ મુકાબલો લોસ એન્જલસની નજીક રમાયો જ્યાં ઈરાનની બહાર સૌથી મોટી ઈરાની વસ્તી રહે છે. મેચની શરૂઆતમાં વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ હતું જ્યારે ઈરાનનું રાષ્ટ્રગીત વાગ્યું તો ઘણા ફેન્સે હૂટિંગ કરી અને મેદાન તરફ પોતાની પીઠ ફેરવી લીધી હતી. જોકે રમત શરૂ થતા જ બધાએ ખેલાડીઓનો જબરદસ્ત ઉત્સાહ વધાર્યો હતો.
૨-૨ થી ડ્રો રહ્યો મુકાબલો
મેચની વાત કરીએ તો ૨૦ મી રેન્કિંગ ધરાવતી ઈરાની ટીમે બે વાર પાછળ રહ્યા બાદ વાપસી કરતા ૮૫ મી રેન્કિંગની ન્યુઝીલેન્ડ ટીમને ૨-૨ ના ડ્રો પર રોકી હતી.
આ પણ વાંચો: IND A vs SL A: વૈભવ સૂર્યવંશી વિવાદ: મેદાન પર ખેલાડીઓ વચ્ચે લડાઈ, જાણો શું છે સમગ્ર ઘટના – Newz Cafe

