Mohammed Shami on Ban Saliva use on ball: ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં તેણે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરીને ત્રણ વિકેટ ખેરવી હતી. શમી જે ફોર્મમાં છે, તે જોતાં લાગે છે કે, તે ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. પરંતુ હવે ફાઇનલ મેચ પહેલા શમીએ ICC પાસે એક ખાસ માગ કરી છે. શમીએ બોલ પર થૂકના ઉપયોગ માટે ફરી મંજૂરી આપવા માટે ICCને અપીલ કરી છે.
બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, ICC એ પહેલાથી જ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જે ફાસ્ટ બોલરોને રિવર્સ સ્વિંગ મેળવવામાં મદદ કરે છે, પરંતુ હવે બોલરો તેનો ઉપયોગ નથી કરી શકતા, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મોહમ્મદ શમીની ICC પાસે માગ
2020માં કોરોના મહામારી ફેલાયા બાદ ICCએ વર્ષ 2022માં ક્રિકેટ મેચોમાં થૂંક પર પ્રતિબંધ મૂક્યો હતો. બોલ પર થૂંક લગાવવાથી સંક્રમણનું જોખમ વધી શકે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિકેટ મેચમાં ફાસ્ટ બોલરો બોલના ખરબચડા ભાગને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ કરે છે. જેથી તેઓ રિવર્સ સ્વિંગ મેળવી શકે અને વિકેટ લઈ શકે. શમી તેની સચોટ લાઇન અને લેન્થ માટે ફેમસ છે અને રિવર્સ સ્વિંગમાં એક્સપર્ટ છે. હવે બોલરો બોલને ચમકાવવા માટે થૂંકને બદલે પરસેવાનો ઉપયોગ કરે છે. શમીએ કહ્યું કે અમે રિવર્સ સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ થૂંકનો ઉપયોગ થઈ રહ્યો નથી. અમે સતત થૂંકના ઉપયોગની મંજૂરી માટે અપીલ કરી રહ્યા છીએ અને રિવર્સ સ્વિંગ સાથે તે રસપ્રદ રહેશે.
શમીએ આગળ કહ્યું કે, ‘હું મારી લય પાછી મેળવવા અને ટીમમાં વધુ યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે ટીમમાં બે ફાસ્ટ બોલર ન હોય ત્યારે મારે વધુ જવાબદારી નિભાવવી પડે છે. જ્યારે તમે મુખ્ય ફાસ્ટ બોલર હોવ અને બીજો ઓલરાઉન્ડર હોય, ત્યારે એક પર પ્રેશર હોય છે. તમારે વિકેટ લેવી પડશે અને આગળ વધીને નેતૃત્વ કરવું પડશે.
ICCની આચારસંહિતા 41.3 માં સુધારા સાથે બોલને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બોલને ચમકાવવા માટે ખેલાડી દ્વારા લાળનો ઉપયોગ હવે બોલ ટેમ્પરિંગની શ્રેણીમાં જ ગણાશે.

