Women Asia Cup 2026: દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા એશિયા કપ 2026ની ગ્રાન્ડ ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એકતરફી પ્રદર્શન કરતા શ્રીલંકાને 72 રનના મોટા અંતરથી હરાવી દીધું. આ શાનદાર જીત સાથે જ ભારતે રેકોર્ડ 8મી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ખિતાબ જીતનારી ભારતીય ટીમને આ ખિતાબી જીત માટે મોટી ઇનામી રકમ પણ મળવાની છે.
ચેમ્પિયન ભારત અને રનર-અપ શ્રીલંકાને કેટલી ઇનામી રકમ મળી?
જોકે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ વખતે નવી ઇનામી રકમની સત્તાવાર જાહેરાત અલગથી કરી નથી, પરંતુ ગયા સીઝનમાં નક્કી કરાયેલા માળખા અનુસાર જ ઇનામી રકમ આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. 8મી વખત ચેમ્પિયન બનવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આશરે 25,000 અમેરિકી ડૉલર એટલે કે 21 લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે. બીજી તરફ ફાઇનલ મેચ ગુમાવનારી શ્રીલંકા મહિલા ટીમને રનર-અપ તરીકે આશરે 15,000 અમેરિકી ડૉલર એટલે કે 12.5 લાખ રૂપિયા મળશે.
હરમનપ્રીત કૌરે પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડ્યો
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ખિતાબી જીત સાથે જ નવો ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરનો આ ચોથો એશિયા કપ ખિતાબ છે. તેમણે ભારતની પૂર્વ મહાન કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી છે, જેમણે પોતાની કેપ્ટનશિપમાં ભારતને 3 વખત (2005, 2006, 2008) એશિયા કપ ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમ આ પહેલાં 2004, 2005, 2006, 2008, 2012, 2016 અને 2022માં ચેમ્પિયન બની ચૂકી છે. બીજી તરફ, 2018માં બાંગ્લાદેશ અને 2024માં શ્રીલંકાએ આ ખિતાબ જીત્યો હતો. હવે 2026માં ભારતે ફરી એકવાર ટ્રોફી પર પોતાનો અધિકાર જમાવ્યો છે.
ફાઇનલ મેચનું પરિણામ
ફાઇનલ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. 184 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની સમગ્ર ટીમ માત્ર 111 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ (36 રન) જ થોડો સંઘર્ષ કરી શક્યાં. ભારત તરફથી શ્રી ચરણીએ ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી, જ્યારે અનુભવી દીપ્તિ શર્માએ 3 વિકેટ પોતાના નામે કરી હતી.

