ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ICC T20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં અભિષેકના બેટમાંથી 38 બોલમાં 113 રનની ઇનિંગ્સ નીકળી હતી. તેઓ બીજા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. બીજી તરફ, પહેલાં નંબર પર રહેલા ઈશાન કિશનને બે સ્થાનનું નુકસાન થયું છે. ઈજાને કારણે ઈશાન ન્યૂઝીલેન્ડ સામેની બીજી અને ત્રીજી T20 મેચ રમી શક્યા નહોતા. હવે તેઓ 866 રેટિંગ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
T20ના ટોચના 10માં કોઈ ભારતીય બોલર નથી
ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરને 5 સ્થાનનું નુકસાન થયું છે. તેઓ ચોથા સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને ગયા છે. જ્યારે તિલક વર્મા 10મા સ્થાને છે. પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન બીજા સ્થાને પહોંચી ગયા છે. ભારત સામેની પ્રથમ બે T20 મેચમાં અડધી સદી ફટકારવાને કારણે ગ્લેન ફિલિપ્સને 20 સ્થાનનો ફાયદો થયો છે અને તેઓ હવે 37મા સ્થાને છે. બીજી તરફ, T20 બોલિંગ રેન્કિંગના ટોચના 10માં સામેલ એકમાત્ર ભારતીય બોલર અક્ષર પટેલ 11મા સ્થાને આવી ગયા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે 7 સ્થાનની છલાંગ લગાવીને સાતમું સ્થાન મેળવી લીધું છે.
યાનસન નંબર-1 બોલર અને ઓલરાઉન્ડર બન્યા
દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસને મિચેલ સ્ટાર્કને ટેસ્ટના નંબર-1 બોલરના સ્થાનેથી હટાવી દીધા છે. તાજા રેન્કિંગમાં યાનસનના 876 રેટિંગ પોઇન્ટ છે અને તેઓ પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. અત્યાર સુધી તેઓ છઠ્ઠા સ્થાને હતા. બીજી તરફ, મિચેલ સ્ટાર્ક 861 રેટિંગ પોઇન્ટ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. મેટ હેનરી પણ બીજા સ્થાને છે. ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહ પાંચમા સ્થાને છે. જ્યારે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ 4 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તેઓ બીજા સ્થાને છે. સાતમા રેન્કિંગ સાથે ઋષભ પંત ભારતીય બેટ્સમેનોમાં નંબર-1 છે.
માર્કો યાનસને ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં તેમણે 11 વિકેટ લેવાની સાથે 146 રન બનાવ્યા છે. તેમણે રવિન્દ્ર જાડેજા પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો છે.

