IND W vs SL W Final: એશિયન ગેમ્સ 2026ના મહિલા ક્રિકેટના મહામુકાબલામાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે રનનો પહાડ ઊભો કરી દીધો છે. એશિયન ગેમ્સની ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 216 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ઐતિહાસિક ઇનિંગ દરમિયાન સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ એવો કીર્તિમાન રચ્યો, જે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું ન હતું.
શેફાલી અને મંધાનાની તોફાની શરૂઆત, પ્રથમ વિકેટ માટે જોડ્યા 99 રન
ખિતાબી મુકાબલામાં ભારતની શરૂઆત અત્યંત આક્રમક રહી. ઓપનિંગ કરવા ઉતરેલી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શ્રીલંકન બોલરોની જોરદાર ધોલાઈ કરી અને પ્રથમ વિકેટ માટે માત્ર 9.2 ઓવરમાં 99 રનની વિસ્ફોટક ભાગીદારી કરી. શેફાલી વર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 29 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા. જોકે તે પોતાના અર્ધસદીથી માત્ર 2 રન દૂર રહી ગઈ, પરંતુ તેણે ટીમને ફાઇનલ મેચમાં જરૂરી એવી તોફાની શરૂઆત અપાવી દીધી હતી.
મંધાનાનું 79 રનનું તોફાન અને 11,000 ઇન્ટરનેશનલ રનનો મહા-રેકોર્ડ
શેફાલી આઉટ થયા બાદ પણ સ્મૃતિ મંધાનાનું બેટ આગ ઓકતું રહ્યું. મંધાનાએ માત્ર 45 બોલમાં 175.56ના તોફાની સ્ટ્રાઇક રેટથી 79 રનની યાદગાર ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 7 આકાશને આંબતા છગ્ગાનો સમાવેશ રહ્યો. પોતાની આ ઐતિહાસિક ઇનિંગ દરમિયાન સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 11,000 રન પૂર્ણ કરવાનો મહા-રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ જાદુઈ આંકડા સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગઈ છે. આ બંને સ્ટાર ઓપનરોના દમ પર ભારતે શ્રીલંકા સામે ગોલ્ડ મેડલ જીતવા માટે 216 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક રાખ્યો છે.
એશિયન ગેમ્સમાં મહિલાઓનો સૌથી મોટો સ્કોર
મહિલાઓના એશિયા કપનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં કોઈપણ ટીમે 216 રનનો આંકડો સ્પર્શ્યો નથી. જ્યારે માત્ર બીજી વખત કોઈ ટીમે એશિયન ગેમ્સમાં 200 રનનો આંકડો પાર કર્યો છે. હોંગકોંગે મંગોલિયા સામે ગત સીઝનમાં આ કારનામું કર્યું હતું.

