New Zealand A vs India A: 13 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ Aની શાનદાર વાપસી, 205 રનની અણનમ ભાગીદારી

Arati Parmar
2 Min Read

New Zealand A vs India A: ન્યૂઝીલેન્ડ Aએ ઇન્ડિયા A સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 218 રન બનાવી લીધા છે. ઇન્ડિયા Aએ પહેલાં બેટિંગ કરતાં 346 રન બનાવ્યા હતા. હેગલી ઓવલના મેદાન પર બીજા દિવસની રમતના અંતે ઇન્ડિયા A પાસે 128 રનની સરસાઈ છે, પરંતુ ન્યૂઝીલેન્ડ Aની સાત વિકેટ હજુ બાકી છે. બંને બેટ્સમેન પીચ પર સેટ થઈને રમી રહ્યા છે.

મેથ્યુ બોયલે ન્યૂઝીલેન્ડ A માટે સદી ફટકારી

ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમના ઓપનર અને કેપ્ટન રીસ મારિયુ માત્ર ચાર રન બનાવીને આઉટ થયા હતા. બીજા ઓપનર કર્ટિસ હીફી પણ ચાર રન જ બનાવી શક્યા હતા. ટિમ રોબિન્સનના બેટમાંથી ત્રણ રન નીકળ્યા હતા. આઠ ઓવર બાદ ટીમનો સ્કોર ત્રણ વિકેટે 13 રન હતો. ઇન્ડિયા A માટે મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ મેથ્યુ બોયલ અને ડીન ફોક્સક્રાફ્ટની જોડીએ ક્રીઝ પર મજબૂત પકડ જમાવી હતી.

- Advertisement -

23 વર્ષીય મેથ્યુ બોયલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ચોથી સદી ફટકારી હતી. સ્ટમ્પ સમયે તેઓ 148 બોલમાં 107 રન બનાવીને રમી રહ્યા હતા. જ્યારે ડીનના બેટમાંથી 180 બોલમાં 80 રન નીકળ્યા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 324 બોલમાં 205 રનની અણનમ ભાગીદારી થઈ ચૂકી છે. ઇન્ડિયા A માટે મુકેશ કુમારે બે જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી છે. બીજી તરફ વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ અને માનવ સુથારને એક પણ વિકેટ મળી નથી.

આકાશ દીપ અને ધ્રુવ જુરેલે સ્કોર 346 સુધી પહોંચાડ્યો

ઇન્ડિયા Aના કેપ્ટન ધ્રુવ જુરેલે 105 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ દિવસની રમતના અંતે તેઓ 99 રન પર અણનમ હતા. જ્યારે નવમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા આકાશ દીપના બેટમાંથી અડધી સદી નીકળી હતી. તેમણે 116 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. આ બંને ઇનિંગ્સને કારણે 137 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ પણ ઇન્ડિયા Aનો સ્કોર 346 રન સુધી પહોંચી શક્યો હતો.

- Advertisement -
Share This Article