યુવરાજના સૌથી ઝડપી અર્ધસદીના રેકોર્ડ સાથે અભિષેકની સૌથી ઝડપી સદી, ગુરુ-શિષ્યની જોડીનો કમાલ
Abhishek Sharma Records: સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહે T20 ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તેમાંથી કેટલાક રેકોર્ડ હજુ પણ યથાવત છે. યુવરાજ પાસેથી જ કોચિંગ લઈને અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં ખૂબ નામ કમાયું છે અને હવે તે અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. જ્યારે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ અભિષેક શર્માના નામે થઈ ગયો છે. આ સાથે જ આ ગુરુ-શિષ્યની જોડીએ રેકોર્ડ બુકમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે.
યુવરાજ સિંહે 2007ના T20 વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ સામે 12 બોલમાં અર્ધસદી ફટકારી હતી, જેમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેમનો આ રેકોર્ડ આજે પણ યથાવત છે. નેપાળના દીપેન્દ્ર સિંહ ઐરીએ 27 સપ્ટેમ્બર 2023ના રોજ મંગોલિયા સામે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં માત્ર 9 બોલમાં અર્ધસદી ફટકારી હતી. જોકે, મંગોલિયા એસોસિએટ ટીમ છે. આવી સ્થિતિમાં સાચા અર્થમાં સૌથી ઝડપી અર્ધસદી યુવરાજના નામે જ છે.
સૌથી ઝડપી સદી અભિષેકના નામે
અભિષેક શર્મા કોઈ પણ ટેસ્ટ રમતા દેશ સામે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. તેમણે ફિન એલનને પાછળ છોડી દીધા છે, જેમણે આ જ વર્ષે T20 વિશ્વ કપની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 33 બોલમાં સદી ફટકારી હતી. અભિષેક કરતાં ઓછી બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેમણે 2024માં સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે બીજા ક્રમે તુર્કીના મોહમ્મદ ફહાદ છે, જેમણે 2025માં બલ્ગેરિયા સામે 29 બોલમાં સદી પૂર્ણ કરી હતી. જોકે, આ બંને સદી એસોસિએટ ટીમના બેટ્સમેનોએ એસોસિએટ ટીમ સામે જ ફટકારી હતી. આવી સ્થિતિમાં સૌથી ઝડપી સદી હવે અભિષેકના નામે જ છે.
યુવરાજથી આગળ નીકળી ગયા અભિષેક
યુવરાજ સિંહ પાસેથી શીખનારા અભિષેક શર્મા અનેક બાબતોમાં તેમનાથી પણ આગળ નીકળી ગયા છે. અભિષેક T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહે 58 મેચમાં 74 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માએ માત્ર 59 મેચમાં જ 126 છગ્ગા ફટકારી દીધા છે. ભારત માટે અભિષેક 6 વખત 20 અથવા તેનાથી ઓછી બોલમાં અર્ધસદી ફટકારી ચૂક્યા છે. યુવરાજે આવું માત્ર 3 વખત કર્યું છે.

