પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે જીતવું પડશે
પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે જીતવું પડશે
ચેન્નાઇ, તા. 22 : પાકિસ્તાને જો વન-ડે વર્લ્ડ કપમાં તેના અભિયાનને ફરી પાટા પર લાવવું હશે તો ચેપોક સ્ટેડિયમની ધીમી પિચ પર અફઘાનિસ્તાનના સ્પિનર્સ સામે સર્તક રહીને જીત મેળવવી પડશે. પાકિસ્તાની ટીમ પાછલી બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સમાનો કરી ચૂકી છે. હવે તેના માટે સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા માટે પણ અફઘાનિસ્તાન સામે જીત જરૂરી બની છે. બીજીતરફ અફઘાનિસ્તાન તેની પાછલી મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને આંચકો આપી ચૂકી છે. તેની નજર પાક. સામે પણ ઉલટફેરની રહેશે. પાકિસ્તાનના હાલ 4 મેચમાં 4 પોઇન્ટ છે અને પાંચમા સ્થાને છે. નેટ રન રેટ માઇનસ 0.4પ6 છે. જેમાં સુધારની ઘણી જરૂર છે. પાક. બેટધરો વિશ્વ કપમાં સ્પિનરો સામે સારો દેખાવ કરી રહ્યા નથી. જે તેમના માટે ચિંતાનો વિષય છે. બેંગ્લોરની બેટધરો માટે અનુકૂળ પિચ પર પણ ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા સામે પાકિસ્તાનના બેટધરો સંઘર્ષમાં જોવા મળ્યા હતા. ઝમ્પાએ 4 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનનો સ્પિન વિભાગ મજબૂત છે. જેમાં રાશિદ ખાન અને મજીબ ઉર રહેમાન જેવા સ્પિનર સામેલ છે. જે દુનિયાના કોઇ પણ દિગ્ગજ બેટધરને મુશ્કેલીમાં મૂકી શકે છે. ચેપોકની સ્પિન ફ્રેંન્ડલી વિકેટ પર તેનો સામનો પાક. માટે કઠિન બની રહેશે. વિકેટકીપર મોહમ્મદ રિઝવાન સારા ફોર્મમાં છે. તેના પર પાક.નો ઘણો દારોમદાર રહેશે. અબ્બદુલ્લાહ શફીક અને ઇમામ ઉલ હકે પાછલા મેચમાં શાનદાર અર્ધસદી કરી હતી. જો કે મધ્યક્રમમાં કપ્તાન બાબર આઝમ, સુદ શકિલ અને ઇફતિખાર અહેમદ હજુ સુધી અપેક્ષિત દેખાવ કરી શકયા નથી. શાહિન અફ્રિદીએ ઓસ્ટ્રેલિયા સામે પ વિકેટ ઝડપીને ફોર્મમાં વાપસી કરી છે પરંતુ અન્ય બે ઝડપી બોલર હારિસ રઉફ અને હસન અલીનું ખરાબ ફોર્મ પાક. માટે ચિંતાપ્રેરક છે. સ્પિનર શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને ઓસામા મીર અપેક્ષા પર ખરા ઉતર્યાં નથી. બીજીતરફ અફઘાનિસ્તાનની ટીમ દબાણ વિના મેદાને પડશે. ઇંગ્લેન્ડ સામેની જીતથી આ ટીમનું મનોબળ ઉંચું આવ્યું છે. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં 7 એક દિવસીય મેચ રમાયા છે. જે તમામમાં પાકિસ્તાનનો વિજય નોંધાયો છે.
