Praggnanandhaa Grand Chess Tour: ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને 9-3ની લીડ મેળવી લીધી છે. આ રીતે તેઓ ગ્રાન્ડ ચેસ ટૂરની ફાઇનલમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી ગયા છે. પ્રજ્ઞાનંદા અને કીમર વચ્ચેનો મુકાબલો ઉતાર-ચઢાવવાળો રહ્યો. ભારતીય ખેલાડી સફેદ મહોરાંથી રમતા શરૂઆતમાં નુકસાનમાં દેખાઈ રહ્યા હતા, જ્યારે કીમરની રમત પર નિયંત્રણ હતું.
પ્રજ્ઞાનંદાએ ત્યારબાદ ધીમે ધીમે પોતાની સ્થિતિ મજબૂત કરી, જ્યારે કીમર પોતાની વ્યૂહાત્મક ચાલમાં ફસાઈ ગયા. બંને ખેલાડીઓ પાસે સમય ઓછો બચ્યો હતો. આવી સ્થિતિમાં કીમરે રમત ચાલુ રાખવાનો રસ્તો શોધી લીધો, પરંતુ બીજા ટાઇમ કંટ્રોલમાં પ્રજ્ઞાનંદાએ સહેજ પણ નરમાઈ બતાવી નહીં અને રાજાને ચેકમેટ કરવાની નજીક પહોંચી ગયા હતા. કીમરે અંતે પોતાની 55મી ચાલ પર હાર સ્વીકારી લીધી.
પ્રજ્ઞાનંદા ફાઇનલથી માત્ર 6 પોઇન્ટ દૂર
આ જીતનો અર્થ એ છે કે પ્રજ્ઞાનંદા હવે 450000 અમેરિકન ડોલરના ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાથી માત્ર છ પોઇન્ટ દૂર છે, જેમાં વિજેતાને 200000 અમેરિકન ડોલર મળશે. ત્યારબાદ વધુ બે રેપિડ ગેમ રમાશે, જેમાં વિજેતાને ચાર પોઇન્ટ મળશે અને ચાર બ્લિટ્ઝ ગેમ રમાશે, જેમાં જીત મેળવવા પર બે પોઇન્ટ મળશે.
કારુઆના અને વેસ્લી સો વચ્ચે મુકાબલો ડ્રો
બીજા સેમિફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો કારુઆનાએ પોતાના દેશના વેસ્લી સો સામે જીતવાની સુવર્ણ તક ગુમાવી દીધી. બંને વચ્ચેનો મુકાબલો ડ્રો રહ્યો. આ રીતે બંને ખેલાડીઓ હાલમાં 6-6થી બરાબરી પર છે.

