Pakistan vs Sri Lanka Test: પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેસ્ટનો ત્રીજો દિવસ સંપૂર્ણપણે શ્રીલંકાના બેટ્સમેનોના નામે રહ્યો. દિવસની રમત પૂરી થઈ ત્યારે મહેમાન ટીમે 4 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 404 રન નોંધાવ્યા હતા. બીજા દિવસે રમતના અંતે ટીમનો સ્કોર 3 વિકેટે 114 રન હતો. એટલે કે મેચના ત્રીજા દિવસે પાકિસ્તાની ટીમ માત્ર એક જ વિકેટ લઈ શકી હતી.
ધનંજય અને કુસલ મેન્ડિસ વચ્ચે 249 રનની ભાગીદારી
કામિન્દુ મેન્ડિસે શાનદાર બેટિંગ કરીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. મેન્ડિસ 131 બોલનો સામનો કર્યા બાદ 58 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ ધનંજય ડિસિલ્વા અને કુસલ મેન્ડિસે મોરચો સંભાળ્યો અને પાકિસ્તાનના બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. બંનેએ મળીને પાંચમી વિકેટ માટે અત્યાર સુધી 249 રનની અણનમ ભાગીદારી નોંધાવી છે.
પાકિસ્તાન પાસે હવે માત્ર 30 રનની સરસાઈ બાકી
ધનંજય 241 બોલનો સામનો કર્યા બાદ 167 રન બનાવીને ક્રીઝ પર અડગ છે. પોતાની આ ઇનિંગમાં ધનંજય અત્યાર સુધી 20 ચોગ્ગા ફટકારી ચૂક્યા છે. બીજી તરફ, કેપ્ટન કુસલ મેન્ડિસે પણ સદી ફટકારી છે. તે 188 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 117 રન બનાવીને ધનંજયને સાથ આપી રહ્યા છે. પ્રથમ સત્રમાં એક વિકેટ ઝડપ્યા બાદ પાકિસ્તાનના બોલરોને પછીનાં બે સત્રમાં એક પણ વિકેટ મળી શકી નહોતી. જોકે, શ્રીલંકાની ટીમ હજુ પણ પાકિસ્તાન દ્વારા પ્રથમ ઇનિંગમાં બનાવેલા 434 રનના સ્કોરથી 30 રન પાછળ છે, પરંતુ ટીમની હજુ 6 વિકેટ બાકી છે.
શ્રીલંકાએ 12 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી
જોકે, પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી. મોહમ્મદ અબ્બાસે પસિન્દુ સૂરિયાબંદારાને ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન મોકલી દીધા હતા. ત્યારબાદ દિનેશ ચાંદીમલ પણ માત્ર એક રન બનાવી શક્યા હતા અને સાકિબ ખાનનો શિકાર બન્યા હતા. લાહિરુ ઉદરા સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા હતા અને 52 બોલમાં 42 રન બનાવ્યા બાદ આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી બોલિંગમાં અત્યાર સુધી સાકિબ ખાન અને મોહમ્મદ અબ્બાસે બે-બે વિકેટ ઝડપી છે. આ પહેલાં પાકિસ્તાને પોતાની પ્રથમ ઇનિંગ 9 વિકેટે 434 રન બનાવ્યા બાદ જાહેર કરી હતી.

