Pakistan WTC Points: ઇંગ્લેન્ડ સામે 0-3થી હાર્યા બાદ પાકિસ્તાનને વધુ મોટો ઝટકો, WTCમાં માત્ર 4.63 ટકા પોઇન્ટ સાથે 9મા સ્થાને
Pakistan WTC Points: ICCએ પાકિસ્તાન પર બર્મિંઘમમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ જાળવવા બદલ સોમવારે મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો અને તેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 11 પોઇન્ટ કાપી લીધા. ICCએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે યજમાન ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 0-3થી હારનાર પાકિસ્તાને નિર્ધારિત સમયની અંદર 11 ઓવર ઓછી કરી હતી.
ICCએ કાર્યવાહી અંગે આપી માહિતી
પાકિસ્તાને લીડ્સમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ ઇનિંગ્સ અને 103 રનથી, લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ 194 રનથી અને એજબેસ્ટનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ 8 વિકેટથી ગુમાવી હતી. ICCએ જણાવ્યું, “બર્મિંઘમમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ જાળવવા બદલ પાકિસ્તાન પર બે પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.”
પાકિસ્તાનના માત્ર 4.63 ટકા પોઇન્ટ
આ પ્રતિબંધ ICC મેચ રેફરી રંજન મદુગલે, મેદાની અમ્પાયર પૉલ રિફેલ અને ક્રિસ ગૅફની, ત્રીજા અમ્પાયર અલાઉદ્દીન પાલેકર અને ચોથા અમ્પાયર રસેલ વૉરેન દ્વારા લગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી. ICCએ જણાવ્યું, “આનો અર્થ એ છે કે પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં હવે માત્ર 4.63 ટકા પોઇન્ટ સાથે નવમા સ્થાને છે.”
ICCની ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ધીમી ઓવર ગતિ સંબંધિત આચારસંહિતાની કલમ 2.22 અનુસાર, ખેલાડીઓ પોતાની ટીમ દ્વારા નિર્ધારિત સમયની અંદર બોલિંગ કરવામાં નિષ્ફળ જાય ત્યારે દરેક ઓવર માટે તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે. આ દંડ મહત્તમ મેચ ફીના 50 ટકા સુધી મર્યાદિત છે.
ICCએ જણાવ્યું, “આ ઉપરાંત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રમતના નિયમોની કલમ 16.11.2 અનુસાર, દરેક ઓવર ઓછી કરવા બદલ એક પોઇન્ટનો દંડ લાગે છે. આ કારણે પાકિસ્તાનના કુલ પોઇન્ટમાંથી 11 પોઇન્ટ કાપી લેવામાં આવ્યા છે.”

