Sir Garfield Sobers Passes Away: વિશ્વ ક્રિકેટના દિગ્ગજ સર ગેરી સોબર્સ હવે નથી રહ્યા, ભારતીય દિગ્ગજોએ આ રીતે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

Arati Parmar
4 Min Read

Sir Garfield Sobers Passes Away: ક્રિકેટ જગતના ઈતિહાસમાં એક એવા પ્રકરણનો અંત આવ્યો છે, જેણે ક્રિકેટને વિશ્વ મંચ પર નવી ઓળખ અપાવી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને દુનિયાના નકશા પર સ્થાપિત કરનાર અને રમત ઈતિહાસના સૌથી મહાન ઓલરાઉન્ડર ગણાતા સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે બારબાડોસમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેમના પુત્ર ડેનિયલે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી. તેઓ તેમના 90મા જન્મદિવસથી માત્ર 10 દિવસ દૂર હતા. સર ગેરી સોબર્સના નિધન પર BCCI સહિત વિશ્વભરના ક્રિકેટ બોર્ડ અને દિગ્ગજોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. BCCIએ શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ફેન બોય બનીને તેમને મળતા જોવા મળી રહ્યા છે.

જ્યારે રોહિત, વિરાટ અને રહાણે પણ ગેરી સોબર્સ સામે બની ગયા ફેન

- Advertisement -

BCCI દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો વર્ષ 2023માં ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાનનો છે. બારબાડોસના ગારફિલ્ડ સોબર્સ પેવેલિયનમાં જ્યારે આ મહાન ખેલાડી ભારતીય ટીમને મળવા પહોંચ્યા, ત્યારે દ્રશ્ય જોવાલાયક હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આધુનિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ પણ સર ગેરી સોબર્સ સામે કોઈ સામાન્ય ક્રિકેટ ફેનની જેમ અત્યંત વિનમ્રતા અને સન્માન સાથે ઊભા જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સૌપ્રથમ તેમનો હાથ મિલાવીને તેમના હાલચાલ પૂછ્યા. આ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલે અત્યંત આદર સાથે તેમની મુલાકાત લીધી. ભારતીય ખેલાડીઓના ચહેરા પર સર ગેરી સોબર્સ પ્રત્યે જે સન્માન હતું, તેણે કરોડો ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

- Advertisement -

1 ઓવરમાં 6 સિક્સર મારનાર દુનિયાના પહેલા બેટ્સમેન

સર ગારફિલ્ડ સોબર્સનું નામ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. તેઓ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરની તમામ 6 બોલ પર સતત 6 સિક્સર મારનાર દુનિયાના સૌથી પહેલા બેટ્સમેન હતા. તેમણે આ કારનામું વર્ષ 1968માં નોટિંગહામશાયર માટે રમતા ગ્લેમોર્ગન સામે કર્યું હતું. ક્રિકેટમાં તેમના આ અભૂતપૂર્વ યોગદાનને કારણે, ICC વર્ષ 2004થી દર વર્ષે દુનિયાના શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટરને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરે છે.

- Advertisement -

સર ગેરી સોબર્સના બેમિશાલ અને ઐતિહાસિક રેકોર્ડ્સ

માર્ચ 1954થી એપ્રિલ 1974 વચ્ચે લગભગ બે દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કરનાર આ ખેલાડીના આંકડા આજે પણ કોઈ જાદુથી ઓછા નથી લાગતા. આવો તેમના રેકોર્ડ્સ પર એક નજર કરીએ.

ટેસ્ટ મેચ: 93
કુલ રન: 8,032
બેટિંગ સરેરાશ: 57.78
સદી: 26 (જેમાં 365* રનની ઐતિહાસિક અણનમ ઈનિંગ સામેલ છે)
અર્ધ સદી: 30
ટેસ્ટ વિકેટ: 235

ક્રિકેટ જગતે આપી ભીની આંખે વિદાય

BCCIએ તેમના શોક સંદેશમાં લખ્યું છે, ‘BCCI સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરે છે, જે રમતનું સાચું પ્રતીક અને ક્રિકેટના મહાનતમ ઓલરાઉન્ડરોમાંના એક હતા. કેરેબિયન ક્રિકેટ અને વૈશ્વિક રમતમાં તેમનું યોગદાન આવનારી પેઢીઓને પ્રેરિત કરતું રહેશે.’ બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે અત્યંત ભાવુક થતા લખ્યું, ‘એક મહાન ઈનિંગનો અંત આવ્યો છે. અમારા હૃદયમાં, હવે અને હંમેશા માટે, સર ગારફિલ્ડ સોબર્સ.’ નોટિંગહામશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે પણ તેમને ઈતિહાસના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડી ગણાવીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભલે સર ગેરી સોબર્સ આજે આપણી વચ્ચે નથી, પરંતુ ક્રિકેટના મેદાન પર લખાયેલી તેમની અમર ગાથાઓ હંમેશા જીવંત રહેશે.

Share This Article