ન્યૂયોર્ક, તા. 31 : ટી-20 ક્રિકેટની લોકપ્રિયતા પર સવાર થઈને ક્રિકેટનો રથ હવે અમેરિકા પહોંચ્યો છે. સ્થાનિક સમય અનુસાર અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર શનિવારથી ફટાફટ ક્રિકેટનો મહાકુંભ ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. જે ભારતીય સમય અનુસાર રવિવાર સવારથી શરૂ થશે. પહેલી મેચ યજમાન દેશ અમેરિકા અને કેનેડા વચ્ચે ન્યૂયોર્કમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 6-00 વાગ્યાથી શરૂ થશે. ટીમ ઇન્ડિયા ફેવરિટ ટીમ તરીકે ઉતરશે. આઇસીસી ટી-20 વર્લ્ડકપની આ નવમી સ્પર્ધા છે.

ક્રિકેટના આ મહાસંગ્રામમાં પહેલીવાર 20 ટીમ હિસ્સો બનશે. જેમાં કેટલીક ટીમ તો પહેલીવાર વિશ્વકપ રમી રહી છે. ટી-20 વર્લ્ડકપ દરમિયાન દુનિયાને અનેક નવા સિતારા જોવા મળશે અને ચમકશે. તો કેટલાક અસ્ત થશે. છૂપા રુસ્તમ પણ જોવા મળશે. ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં વધુ ઉલટફેર થાય છે. આ વખતે વિશ્વકપમાં પણ ચોંકાવનારા પરિણામ જોવા મળી શકે છે. ટી-20 વર્લ્ડકપમાં 29 દિવસ દરમિયાન પપ મેચની ટક્કર થશે. જેમાં 16 મેચ અમેરિકામાં અને 39 મેચ વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર રમાશે. જેમાં સુપર-8 રાઉન્ડની મેચ, સેમિ અને ફાઇનલ સામેલ છે. ભારતીય ટીમ પાછલા એક દશકથી ચાલ્યો આવતો આઇસીસી ખિતાબનો દુકાળ સમાપ્ત કરવા માગશે. તો ઇંગ્લેન્ડ ટીમ તેનો ટી-20 વર્લ્ડકપ ખિતાબ જાળવી રાખવા માગશે. ઓસ્ટ્રેલિયા વન ડે વર્લ્ડકપ બાદ ટી-20 કપ કબજે કરી દબદબો બનાવી રાખવા માગશે. વેસ્ટ ઇન્ડિઝ યજમાન દેશ તરીકે ટી-20 વર્લ્ડકપ જીતનાર પહેલી ટીમ બનવા માગશે. પાકિસ્તાન, દ. આફ્રિકા, ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા પણ એડીચોટીનું જોર લગાવશે. બાંગલાદેશ, અફઘાનિસ્તાન, આયરલેન્ડ, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેની ટીમ અગાઉ ચોંકાવનારાં પરિણામ આપી ચૂકી છે.
તેમની નજર ટોચની ટીમો સામે અપસેટ સર્જવા પર હશે. ભારતીય ટીમે છેલ્લી આઇસીસી ટ્રોફી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીતી હતી. આ પછીથી અનેક પ્રસંગે ટીમ ઇન્ડિયા હાથ ઘસતી રહી ગઈ છે. છેલ્લા 12 મહિનામાં ભારતીય ટીમ બે આઇસીસી ટૂર્નામેન્ટમાં ખિતાબ ચૂકીને ઉપવિજેતા રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર સહન કરી હતી. પાછલા બે ટી-20 વર્લ્ડકપમાં જૂની સ્ટાઇલથી રમવાની ભૂલ આ વખતે રોહિતની ટીમ કરશે નહીં. હાલમાં જ સમાપ્ત થયેલી આઇપીએલમાં બેટધરોએ આક્રમકતાની નવી પરિભાષા લખી છે. જેનું પુનરાવર્તન વર્લ્ડકપમાં જોવા મળી શકે છે. ખાસ કરીને ભારતીય બેટરો પાસેથી. ટીમ ઇન્ડિયા ન્યૂયોર્કમાં 3 મેચ રમવાની છે. આ મેદાન પર ડ્રોપ ઇન પિચ પાથરવામાં આવી છે. તે મોટાભાગે બેટસમેનોને મદદ કરશે. ટીમ ઇન્ડિયાની પહેલી ટક્કર આયરલેન્ડ વિરુદ્ધ તા. પમીએ થશે જ્યારે પાકિસ્તાન સામેની હાઇ વોલ્ટેજ મેચ 9મીએ ન્યૂયોર્કમાં રમાશે. આ મેચને લઈને પૂરા ન્યૂયોર્ક સિટીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે, કારણ કે આતંકી હુમલાની ધમકી મળી ચૂકી છે.
રોહિત શર્માની આગેવાનીમાં ભારત પાસે અનુભવી અને યુવા ખેલાડીઓ સાથેની સંતુલિત ટીમ છે. જેને વિશેષજ્ઞો ખિતાબની પ્રબળ દાવેદાર ગણે છે. ખાસ વાત એ છે કે કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આ આખરી ટી-20 વર્લ્ડકપ માનવામાં આવી રહ્યો છે. આ બે ખેલાડીના દેખાવ પરથી ટીમ ઇન્ડિયાની દશા અને દિશા નક્કી થશે. પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ટીમનું લક્ષ્ય સાચા સમયે ક્લિક થવા પર હશે. વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકાના પડકારને પણ ઓછો આંકી શકાશે નહીં. આફ્રિકી ટીમ પાસે અનેક મેચ વિજેતા ખેલાડી છે. આ ટીમ ચોકર્સની છાપ ભૂંસવા માગશે. કિવિ ટીમ ફરી એકવાર ડાર્કહોર્સ બની ઉતરશે.

