એન્ટિગુવા, તા. 22 : ટીમ ઈન્ડિયાએ શનિવારે અહીંના મેદાન પર બાંગલાદેશને 50 રને પરાજય આપતાં સેમિફાઈનલ ભણી આગેકૂચ કરી હતી. અણનમ અર્ધસદી કરનાર હાર્દિક પંડયા અને ત્રણ વિકેટ ખેરવનાર કુલદીપ યાદવ મહત્ત્વપૂર્ણ જીતના શિલ્પી બન્યા હતા. ભારતે આપેલા 197 રનનાં લક્ષ્ય સામે નજમુલ હસન સાંટોની ટીમ 146 રન સુધી સીમિત રહી હતી. લક્ષ્ય પાર પાડવા મેદાન પર ઊતરેલી બાંગલાદેશ વતી સુકાની સાંટોએ 32 દડામાં એક ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 40 રન કર્યા હતા. તંઝિદ હસને 4 ચોગ્ગ સાથે 29 રન કર્યા હતા.

અગ્રહરોળના બેટધરોમાં નજમુલ સિવાય કોઈ લાંબુ ટકી શક્યા નહોતા. રિશાદ હુસેને 10 દડામાં એક ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે ઝડપી 24 રન કરીને ટીમને જીત ભણી દોરી જવાનો પ્રયાસ કર્યો હતો. અર્શદીપ, બુમરાહે બે-બે વિકેટ લીધી હતી. બાંગલાદેશી ઓપનર્સ લીટન દાસ અને તંઝીદ હસને સારી શરૂઆત અપાવવાની કોશિશ કરી હતી. જો કે પાંચમી ઓવરમાં હાર્દિક પંડયાએ લીટન દાસને શિકાર બનાવ્યો હતો. દાસ 10 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. બાદમાં 10મી ઓવરમા તંઝિદ હસન 31 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. તંઝિદને કુલદીપ યાદવે એલબીડબલ્યુ કર્યો હતો. આ દરમિયાન બાંગલાદેશના બેટ્સમેનો ધીમા પડયા હતા અને 11મી ઓવર સુધીમાં જીત માટે જરૂરી રન રેટ 13.44 રન પ્રતિ ઓવર સુધી પહોંચી ગઈ હતી. તેવામાં 12મી ઓવરના પહેલાં બોલે કુલદીપ યાદવે ફરી ઝટકો આપ્યો હતો અને તોહિદ હૃદોયને એલબીડબલ્યુ કર્યો હતો. બાદમાં કુલદીપે જ શાકિબ અલ હસનને પણ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા ટી-20 વિશ્વકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ અને બાંગલાદેશ વચ્ચેની મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે પાંચ વિકેટના નુકસાને 196 રન કર્યા હતા. ટીમના તમામ બેટ્સમેનોએ મળીને બાંગલાદેશી બોલરોને ધોયા હતા. કોહલીએ 28 બોલમાં 37 રન, રિષભ પંતે 24 બોલમાં 36 અને શિવમ દુબેએ 24 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 34 રનની ઈનિંગ્સ રમી હતી, જ્યારે ઓપનિંગમાં રોહિત શર્માએ 11 બોલમાં 23 રન કર્યા હતા. અંતમાં હાર્દિક પંડયાએ 27 બોલમાં નોટઆઉટ 50 રન કર્યા હતા. પંડયાએ પોતાની ઈનિંગ્સમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મેચમાં સૂર્યકુમાર યાદવ લાંબી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. તે બે બોલમાં છ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી તરફ બાંગલાદેશ તરફથી ઝડપી બોલર તંજીમ હસન અને સ્પિનર રિશદ હુસૈને બે-બે વિકેટ પોતાનાં નામે કરી હતી. આ ઉપરાંત એક સફળતા શાકિબ અલ હસનને મળી હતી.

