Aadhaar Mobile Number Update: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ હવે આધારમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઘેર બેઠાં જ બદલવાની સુવિધા શરૂ કરી છે. નવી આધાર એપ દ્વારા મોબાઇલ નંબર ઉપરાંત નામ, સરનામું અને ઈ-મેલ આઈડી જેવી વિગતો પણ ટૂંક સમયમાં સરળતાથી અપડેટ કરી શકાશે. આ બદલાવ ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, સિનિયર સિટિઝન અને વારંવાર સ્થળાંતર કરતા નાગરિકો માટે ખૂબ ફાયદાકારક બનશે.
OTP + ફેસ ઓથેન્ટિકેશનથી થશે અપડેટ
આ સમગ્ર પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે, જેમાં કોઈ પણ દસ્તાવેજ અપલોડ કરવાની કે સેન્ટર જવાની જરૂર રહેતી નથી. એપમાં ફક્ત OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી જ મોબાઇલ નંબર સહિતની માહિતી અપડેટ થઈ જશે. નવો નંબર દાખલ કર્યા બાદ બંને નંબર પર OTP આવશે અને પછી ફેસ ઑથેન્ટિકેશન દ્વારા ઓળખ પુષ્ટિ થશે.
આધાર એપ કેવી રીતે સેટ કરવી
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા નવી આધાર એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડશે. એપ ખોલ્યા બાદ તમારે આધાર નંબર દાખલ કરીને OTP વડે લોગ-ઇન કરવું પડશે. ત્યારબાદ ભવિષ્યમાં ઉપયોગ માટે 6 અંકનો લોગ-ઇન PIN સેટ કરવો પડે છે. આ પ્રક્રિયા એકવાર પૂર્ણ થાય પછી એપમાં તમામ સેવાઓ સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
મોબાઇલ નંબર અપડેટ કરવાની રીત
લોગ-ઇન PIN નાખીને એપ ઓપન કરો અને ‘માય આધાર અપડેટ’ વિકલ્પ સુધી સ્ક્રોલ કરો. સૌથી ઉપર મોબાઇલ નંબર અપડેટનો વિકલ્પ જોવા મળશે. અહીં પહેલા હાલનો નંબર દાખલ કરીને OTP વેરિફાય કરવો પડશે. ત્યાર બાદ નવો નંબર દાખલ કરીને તેની પણ OTP વેરિફિકેશન થશે. અંતે ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ થતાં પેમેન્ટ પેજ આવશે, જેમાં ₹75 નો ચાર્જ જમા કરવો પડે છે. ચુકવણી પૂર્ણ થયા બાદ અપડેશનની પ્રક્રિયા પૂરી માનવામાં આવશે.
મોબાઇલ અપડેટ જરૂરી કેમ?
આધાર કાર્ડ દેશની સૌથી વિશાળ ઓળખ પ્રણાલી છે, જેમાં 130 કરોડથી વધુ લોકોનો ડેટા જોડાયેલો છે. બેંકિંગ, સબસિડી, ઈન્કમ ટેક્સ વેરિફિકેશન અને અનેક ડિજિટલ સેવાઓમાં OTP દ્વારા આધારનો ઉપયોગ થાય છે. જો મોબાઇલ નંબર જૂનો હોય અથવા બંધ થઈ ગયો હોય તો ઘણી મહત્વપૂર્ણ સેવાઓ અટકી શકે છે. અગાઉ આ નંબર અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર જવું પડતું હતું, પરંતુ હવે આ મુશ્કેલી દૂર થઈ છે.
નવી આધાર એપનાં ખાસ ફીચર્સ
નવી એપમાં એક જ ફોનમાં પરિવારના પાંચ સભ્યોના આધાર ઉમેરવા મળે છે. એપમાં ફેસ સ્કેન આધારિત આઇડી શેરિંગ સુવિધા ઉપલબ્ધ છે, જેથી અનાવશ્યક વ્યક્તિગત માહિતી બહાર ન પડે. એપ બાયોમેટ્રિક લોગ-ઇનથી વધુ સુરક્ષિત બને છે અને ઘણા ભાષા વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ ન હોય ત્યારે પણ આધારમાં સંગ્રહિત વિગતો જોઈ શકાય છે.
જૂની અને નવી એપ વચ્ચેનો તફાવત
જ્યાં જૂની mAadhaar એપનો ઉપયોગ મુખ્યત્વે ઈ-આધાર ડાઉનલોડ, PVC કાર્ડ માટે અરજી અને કેટલાક ટેકનિકલ વિકલ્પો માટે થાય છે, ત્યાં નવી આધાર એપ પ્રાઇવસી-ફર્સ્ટ ડિઝાઇન ધરાવે છે. નવી એપમાં ફક્ત જરૂરી માહિતી જ શેર થાય છે અને દસ્તાવેજ વગર અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
નવી એપથી મળનારા ફાયદા
હોટેલ ચેક-ઇનથી લઈને SIM એક્ટિવેશન સુધી, KYC પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. પરિવારના સભ્યોના આધારનું મેનેજમેન્ટ સરળ બને છે. સિલેક્ટિવ શેરિંગથી વ્યક્તિગત ડેટાની સુરક્ષા પણ વધારે મજબૂત બને છે.
આધારનો વિકાસ
વર્ષ 2009માં આધાર પ્રોજેક્ટ શરૂ થયા બાદ આજ દિન સુધીમાં તેની સેવાઓ સતત આધુનિક બનતી રહી છે. પેપર કાર્ડથી શરુ થયેલી પ્રણાલી હવે સંપૂર્ણ ડિજિટલ એપ સુધી પહોંચી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ સરકારે દરેક સેવા ઓનલાઈન અને સરળ બનાવવા પર ભાર મૂક્યો છે.

