ChatGPT, ગૂગલ વર્કસ્પેસ સ્ટુડિયો, કોપાયલટ અને ક્લોડથી બનાવો AI એજન્ટ, જાણો બનાવવાની સરળ રીત
AI Agents Guide: અત્યાર સુધી તમે AI ને પ્રશ્નો પૂછતા હતા અને તે જવાબ આપતું હતું. પરંતુ વિચારો, જો AI તમારા માટે ઈમેલ વાંચે, જરૂરી માહિતી કાઢે, મીટિંગ નક્કી કરે અને રિપોર્ટ પણ તૈયાર કરી આપે તો. આ જ કામ AI એજન્ટ કરી શકે છે. તમે તેમને તમારા ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે સમજી શકો છો, જે માત્ર સલાહ આપતો નથી, પરંતુ તમારી મંજૂરીથી અનેક કામ જાતે પણ કરી શકે છે.
- ChatGPT, ગૂગલ વર્કસ્પેસ સ્ટુડિયો, કોપાયલટ અને ક્લોડથી બનાવો AI એજન્ટ, જાણો બનાવવાની સરળ રીત
- AI એજન્ટ કેવી રીતે બનાવી શકાય?
- 1. ChatGPT (chatgpt.com/gpts)
- 2. ગૂગલ વર્કસ્પેસ સ્ટુડિયો (studio.workspace.google.com)
- 3. કોપાયલટ (copilotstudio.microsoft.com)
- 4. ક્લોડ (claude.ai)
- એજન્ટ બનાવી લીધા, પરંતુ આ બાબતોનું ધ્યાન રાખો
જેમ કે, તમે સામાન્ય AI ને પૂછ્યું કે દિલ્હીથી જયપુર જવા માટે કઈ ટ્રેન સારી રહેશે. તે તમને માહિતી આપશે. પરંતુ AI એજન્ટ ટ્રેન શોધી શકે છે, સમય અને ભાડું જોઈ શકે છે અને ટિકિટ બુકિંગની પ્રક્રિયા પણ આગળ વધારી શકે છે. જોકે, ટિકિટ બુક કરવા અને ચુકવણી કરવા માટે સંબંધિત સેવાની સુવિધા અને તમારી મંજૂરી જરૂરી હોઈ શકે છે.
AI એજન્ટ કેવી રીતે બનાવી શકાય?
- AI એજન્ટ બનાવવા માટે ઘણાં મોડેલ ઉપલબ્ધ છે, પરંતુ મોટા ભાગના મોડેલમાં પેઇડ અથવા બિઝનેસ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડે છે.
- ChatGPT, ગૂગલ વર્કસ્પેસ સ્ટુડિયો, કોપાયલટ અથવા ક્લોડ દ્વારા કોડિંગનું જ્ઞાન ન હોવા છતાં AI એજન્ટ બનાવી શકાય છે.
1. ChatGPT (chatgpt.com/gpts)
વેબસાઇટ ખોલ્યા પછી ડાબી બાજુ GPTs અથવા Explore GPTs પર ક્લિક કરો. ત્યારબાદ Create વિકલ્પ પસંદ કરો. અહીં તમારા AI આસિસ્ટન્ટનું નામ લખો, જેમ કે Office Buddy અને તેના Instructions માં એજન્ટે કયું કામ કરવાનું છે તે જણાવો. જરૂર જણાય તો કેટલાક દસ્તાવેજો અને સુવિધાઓ સાથે તેને જોડો. Preview માં એજન્ટને પ્રશ્નો પૂછીને ચકાસો અને બધું યોગ્ય જણાય તો Save અથવા Create પર ક્લિક કરો. સમાચાર લખવા, રિસર્ચ કરવા અને દસ્તાવેજો સમજવા માટે અહીંથી એજન્ટ બનાવવો યોગ્ય રહેશે.
2. ગૂગલ વર્કસ્પેસ સ્ટુડિયો (studio.workspace.google.com)
તમારા એકાઉન્ટથી લૉગ-ઇન કર્યા પછી હોમ પેજ પર નીચે Workspace Studio મળશે. તેના પર ક્લિક કર્યા પછી Describe a task for Gemini વિકલ્પ દેખાશે. તમે જે કામ માટે એજન્ટ બનાવવા માગો છો, તે કામ સરળ ભાષામાં વિગતવાર લખો અને ત્યારબાદ Create પર ક્લિક કરો. ત્યારબાદ Gemini તમારી સૂચના પ્રમાણે AI એજન્ટ બનાવશે. એજન્ટ બની ગયા પછી Test run દ્વારા તેની ચકાસણી કરો અને યોગ્ય જણાય તો Turn on પર ક્લિક કરો. ઈમેલ, ગૂગલ શીટ અને રોજિંદાં કામ આપમેળે કરાવવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
3. કોપાયલટ (copilotstudio.microsoft.com)
વેબસાઇટ પર ગયા પછી ડાબી બાજુ Agents પર ક્લિક કરો. હવે New agent વિકલ્પ પસંદ કરો. અહીં તમારા એજન્ટને કોઈપણ નામ આપો અને ત્યારબાદ Instructions માં તેની પાસેથી કયાં-કયાં કામ કરાવવાનાં છે તે સરળ ભાષામાં વિગતવાર લખો. પછી Save પર ક્લિક કરીને એજન્ટ બનાવો. જરૂર હોય તો Knowledge માં દસ્તાવેજો અને Tools માં ઈમેલ, ડૉક્સ, ડ્રાઇવ સહિતની અનેક સુવિધાઓ ઉમેરી શકો છો. ત્યારબાદ ટેસ્ટ વિકલ્પથી એજન્ટની ચકાસણી કરો અને યોગ્ય જણાય તો Publish પર ક્લિક કરીને જરૂરી સેટિંગ્સ પૂર્ણ કરો. ઓફિસ, ટીમ અને ગ્રાહક સેવા સંબંધિત કામો માટે તેનું પરિણામ યોગ્ય રહે છે.
4. ક્લોડ (claude.ai)
વેબસાઇટ ખોલ્યા પછી ડાબી બાજુ Projects વિકલ્પ પસંદ કરો અને New Project પર ક્લિક કરો. અહીં સૌથી પહેલાં તમારા એજન્ટને કોઈ નામ આપો. ત્યારબાદ Project Instructions માં એજન્ટે કયાં-કયાં કામ કરવાનાં છે તે જણાવો. તેને ઈમેલ, ડ્રાઇવ, ક્લાઉડ, એપ અથવા અન્ય સ્થળોની પરવાનગી આપી શકો છો. પ્રોજેક્ટમાં નવી ચેટ ખોલીને તેને કોઈ કામ સોંપો અને જવાબ તમારી અપેક્ષા મુજબ છે કે નહીં તે તપાસો. જો જવાબ યોગ્ય ન હોય તો સૂચનાઓ બદલો અને ચકાસણીમાં યોગ્ય જણાય ત્યારે સેવ કરો. યોગ્ય રીતે સૂચનાઓ આપવામાં આવે તો અનેક કામ એકસાથે કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ક્લોડનું Cowork પણ ડિફૉલ્ટ એજન્ટ છે, જેના દ્વારા અનેક તબક્કાવાળાં કામ સોંપી શકાય છે, ફાઇલો અને અન્ય એપ્સ સાથે જોડાણ કરી શકાય છે અને નક્કી કરેલા સમયે કામ કરવા માટે સૂચનાઓ પણ આપી શકાય છે.
એજન્ટ બનાવી લીધા, પરંતુ આ બાબતોનું ધ્યાન રાખો
AI એજન્ટ ખોટી માહિતી આપી શકે છે અથવા સૂચનાઓ સમજવામાં ભૂલ કરી શકે છે. તેથી બેંકિંગ, ચુકવણી, ખાનગી માહિતી શેર કરવા અને જરૂરી દસ્તાવેજો મોકલવા જેવાં કામોમાં અંતિમ મંજૂરી તમારી પાસે જ રાખો. એજન્ટને કામ માટે જેટલી પરવાનગી જરૂરી હોય એટલી જ આપો.

