Airplane mode use: શું તમને પણ એવું લાગે છે કે સ્માર્ટફોનમાં આપવામાં આવતું Airplane Mode ફક્ત હવાઈ મુસાફરી કરવા માટે જ હોય છે? અસલમાં એવું નથી. ફોનમાં મળતું એરપ્લેન મોડ બીજા પણ અનેક પ્રકારના કામ કરે છે, પરંતુ મોટાભાગના લોકો તેની આ ક્ષમતાથી અજાણ હોય છે. ચાલો આજે તમને આ એક ખાસ ફીચર વિશે વિગતવાર જણાવીએ, જેથી તમે પણ તમારા ફોન પર એરપ્લેન મોડનો સ્માર્ટ રીતે ઉપયોગ કરી શકો.
નેટવર્ક કરો રીસેટ
તમે એરપ્લેન મોડની મદદથી તમારા નેટવર્કને જ્યારે ઈચ્છો ત્યારે રીસેટ કરી શકો છો. ઘણીવાર એવું બને છે કે આપણો ફોન લાખ પ્રયત્નો છતાં નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતો નથી અને ફોન પર લો સિગ્નલ આવતા રહે છે. આવા સમયે જો તમે થોડી સેકન્ડો માટે એરપ્લેન મોડ ઓન કરી દો, તો ફોન તરત જ નજીકના મોબાઈલ ટાવર સાથે કનેક્ટ થઈને નેટવર્કને રીસેટ કરી દે છે.
ફોનની ચાર્જિંગ સ્પીડ વધારે છે
ભાગ્યે જ વપરાતું એરપ્લેન મોડ તમારા ફોનની ચાર્જિંગ સ્પીડ પણ વધારી શકે છે. જ્યારે તમે સામાન્ય રીતે ફોન ચાર્જ કરો છો, ત્યારે ફોન નેટવર્ક સાથે કનેક્ટ રહે છે અને એપ્સ બેકગ્રાઉન્ડમાં નેટવર્કનો ઉપયોગ કરીને બેટરી ડિસ્ચાર્જ કરતી રહે છે. જો તમે ફોન ચાર્જ કરતી વખતે એરપ્લેન મોડ ઓન કરી દો, તો એપ્સ બેકગ્રાઉન્ડમાં નેટવર્ક વાપરી શકતી નથી અને ફોન ઝડપથી ચાર્જ થાય છે.
ફોનને હેંગ થતો બચાવે છે
જો તમારો ફોન ક્યારેક અચાનક વધુ હેંગ થવા લાગે, તો પણ તમે એરપ્લેન મોડનો ઉપયોગ કરીને તેને ઠીક કરી શકો છો. હકીકતમાં, ઘણીવાર એપ્સના કેટલાક ટાસ્ક નેટવર્ક સમસ્યાઓને કારણે અટકી જાય છે, જેનાથી ફોન લેગ કે હેંગ થવા લાગે છે. જો ફોનમાં આવી સમસ્યા વધુ હોય, તો એકવાર એરપ્લેન મોડ ઓન કરવાથી બેકગ્રાઉન્ડ એપ્સનો સંપર્ક નેટવર્કથી તૂટી જાય છે અને તે ટાસ્ક બંધ થઈ જાય છે જેના લીધે ફોન હેંગ થતો હોય છે.
ફોન સ્વિચ ઓફ કરવાની જરૂર નથી
એરપ્લેન મોડનો ઉપયોગ કરીને તમે તમારા ફોનને બંધ કર્યા વગર પણ સ્વિચ ઓફ જેવો કરી શકો છો. એરપ્લેન મોડ ફોનને દરેક પ્રકારના નેટવર્કથી ડિસ્કનેક્ટ કરી દે છે, જેથી કોઈ તમને કોલ કરી શકતું નથી. જોકે, જો તમે ફોન વાપરવા માંગતા હોવ, તો એરપ્લેન મોડ ઓન રાખીને પણ WiFi નો ઉપયોગ કરી શકાય છે. આમ, ફોન ઓફ કર્યા વગર પણ તમે કોલથી બચી શકો છો અને સાથે સાથે ફોનનો ઉપયોગ પણ કરી શકો છો.

