Apple iPhone Production in India: એપલ (Apple) એ ગયા વર્ષે ભારતમાં આઈફોનનું પ્રોડક્શન લગભગ 53% વધારી દીધું હતું. હવે કંપની તેના આ ખાસ ડિવાઈસનો ચોથો ભાગ દેશમાં જ બનાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ચીન પર લાગતા ટેરિફથી બચવા માટે એપલ ભારતમાં પોતાનું પ્રોડક્શન વધારી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, કંપનીએ વર્ષ 2025 માં ભારતમાં લગભગ 55 મિલિયન (5.5 કરોડ) આઈફોન એસેમ્બલ કર્યા હતા. આ સંખ્યા 2024 કરતા ઘણી વધારે છે. એક વર્ષ પહેલા એટલે કે 2024 માં કંપનીએ 36 મિલિયન એટલે કે આશરે 3.6 કરોડ આઈફોન એસેમ્બલ કર્યા હતા.
2025માં એસેમ્બલ કર્યા 5.5 કરોડ આઈફોન
રિપોર્ટ અનુસાર, કેટલાક સ્ત્રોતોએ નામ ન આપવાની શરતે માહિતી આપી છે કે 2025માં ભારતમાં 5.5 કરોડ આઈફોન એસેમ્બલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે હજુ આ સત્તાવાર ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. Apple વિશ્વભરમાં દર વર્ષે લગભગ 22 કરોડથી 23 કરોડ આઈફોન બનાવે છે. આ સંખ્યામાં ભારતનો હિસ્સો વર્ષોવર્ષ વધી રહ્યો છે. ભારતમાં આઈફોન ઉત્પાદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ’ (PLI) થી મોટું પ્રોત્સાહન મળ્યું છે, જેનો હેતુ ભારતને ‘દુનિયાની ફેક્ટરી’ બનાવવાનો છે.
આઈફોનના નવા મોડલ પણ ભારતમાં થઈ રહ્યા છે એસેમ્બલ
એપલ હાલમાં તેના લેટેસ્ટ iPhone 17 લાઇનઅપના તમામ વર્ઝન ભારતમાં એસેમ્બલ કરે છે, જેમાં હાઈ-એન્ડ Pro અને Pro Max મોડલ્સનો પણ સમાવેશ થાય છે. ભારતમાં તેના સપ્લાયર્સ Foxconn Technology Group, Tata Electronics અને Pegatron Corp છે. સ્થાનિક માર્કેટમાં વેચાણ અને નિકાસ માટે iPhone 15 અને iPhone 16 જેવા જૂના મોડલ્સ પણ ભારતમાં એસેમ્બલ થાય છે. આગામી સમયમાં કંપની તેના વધુ મોડલ્સ ભારતમાં બનાવી શકે છે.
વધુ ટેરિફ ચીન માટે મુસીબત બન્યું
ચીનમાં એપલ હજુ પણ તેના સૌથી વધુ આઈફોન બનાવે છે. તેમ છતાં, 2025 માં કંપનીને ચીનથી થતા શિપમેન્ટમાં ઘણી મુશ્કેલીઓ નડી હતી. તેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો ટેરિફ વિવાદ હતો. આ કારણે એપલ અને તેના સપ્લાયર્સને અમેરિકી બજાર માટે બનતા મોટાભાગના ડિવાઈસનું ઉત્પાદન ચીનથી હટાવીને અન્ય જગ્યાએ લઈ જવાની ફરજ પડી હતી. આ દરમિયાન એપલ માટે ભારત એક સચોટ અને સરળ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું અને કંપનીએ અહીં પોતાનું પ્રોડક્શન વધારી દીધું. જોકે, એપલના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

