China Centaur Robot: ભારતીય અને વિદેશી સાયન્સ ફિક્શન ફિલ્મોમાં તમે એવા પાત્રો જોયા હશે, જે અડધા માણસ અને અડધા પ્રાણી જેવા હોય છે. હવે આવો જ રોબોટ તમને વાસ્તવિક દુનિયામાં પણ જોવા મળી શકે છે. વાસ્તવમાં, શંઘાઈમાં યોજાયેલી વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ (WAIC) 2026 દરમિયાન રન રોબોટિક્સ નામની કંપનીએ અડધો માણસ અને અડધો પ્રાણી જેવો દેખાતો રોબોટ રજૂ કર્યો છે. તેને સેન્ટોર કહેવામાં આવે છે, એટલે કે માણસ અને ઘોડા જેવા દેખાવ ધરાવતું મશીન.
આ રોબોટ પૈડાં અને પગની મદદથી ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલી શકે છે. તેને ખાસ કરીને આગ ઓલવવા, મુશ્કેલ આપત્તિઓ દરમિયાન કામગીરી કરવા અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્શન જેવા જોખમી કામો માટે તૈયાર કરવામાં આવ્યો છે.
માણસ-ઘોડા જેવો રોબોટ શા માટે ખાસ છે?
પરંપરાગત હ્યુમનોઇડ રોબોટ્સ બે પગ પર ચાલે છે, પરંતુ આ સેન્ટોર રોબોટનો નીચેનો ભાગ પૈડાંવાળી ઓલ-ટેરેન મોબિલિટી સિસ્ટમ પર આધારિત છે.
જ્યારે તેનો ઉપરનો ભાગ હ્યુમનોઇડ રોબોટ એટલે કે માણસ જેવો દેખાય છે. તે દેખરેખ રાખવા ઉપરાંત ભારે સામાન હટાવવા, સાધનો ચલાવવા અને રાહત કામગીરીમાં મદદ કરવા સક્ષમ છે.
રિપોર્ટ્સ અનુસાર આ રોબોટ 100 થી 120 કિલોગ્રામ સુધીનું વજન સરળતાથી ઉઠાવી શકે છે, જ્યારે વધુમાં વધુ 210 કિલોગ્રામ સુધીનું વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.
આ રોબોટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે ઊંચા તાપમાન ધરાવતી સ્ટીલ ફેક્ટરીઓ અને રેડિએશનવાળા જોખમી વિસ્તારોમાં પણ અસરકારક રીતે કામ કરી શકે.
આધુનિક ટેક્નોલોજી અને નિર્ણય લેવાની ક્ષમતા
આ રોબોટની વધુ એક ખાસિયત એ છે કે તે એન્વાયરમેન્ટલ પરસેપ્શન સિસ્ટમથી સજ્જ છે, જેમાં લિડાર સેન્સર, બાયનોક્યુલર વિઝન અને ડેપ્થ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીની મદદથી તે પોતાની આસપાસના વાતાવરણને સમજી શકે છે.
આ સેન્સર્સની મદદથી આ રોબોટ ગરમ પાઇપલાઇન્સ, વાલ્વ્સ, અવરોધો અને માણસોને ખૂબ જ ચોકસાઈથી ઓળખી શકે છે.
આ રોબોટ પોતે જ માર્ગ પસંદ કરી શકે છે, અવરોધોથી બચી શકે છે અને કોઈપણ માનવીય મદદ વગર કાર્ય પૂર્ણ કરી શકે છે. કંપની વર્ષ 2026 સુધીમાં તેનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવાનો ટાર્ગેટ રાખીને આગળ વધી રહી છે.

